- એક મહિનોને દસ દિવસથી હું પ્રચાર કરી રહી છું: ગેનીબેન
- ‘રોજે રોજ લોકોનો લાખ દોઢ લાખ ફાળો આવી રહ્યો છે’
- ‘ફોર્મ ભરવાના દિવસે મંડપથી લઈને જમવાનો ખર્ચ પ્રજાનો’
બનાસકાંઠામાં ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચારમાં જોર વધારવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ગેનીબેને કહ્યું કે, મારો ચૂંટણીખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો આવ્યો ન હોય.
તમામ ખર્ચ લોકોએ ઉપાડી લીધો
લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારમાં દરેક નેતાઓ કોઈ પણ કસર છોડવા માંગતા નથી. આ વચ્ચે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીને જંગ શરૂ થયો છે. આ વચ્ચે ગેનીબેન દ્વારા પોતાા ચૂંટણી ખર્ચના અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, તમામ ચૂંટણીખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારમાં મંડપ, માઈક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ-લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા જેટલો ફાળો આવશે.
આ સાથે જ કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે. જેના અંગે ગેનીબેને કહ્યું કે, ફોર્મ ભરવાના દિવસે મંડપથી લઈને જમવાની તમામ વ્યવસ્થા નો ખર્ચ જિલ્લાના લોકો દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે.
એક ઉમેદવાર કેટલો કરી શકે છે ખર્ચ?
નોંધનીય છેકે ચૂંટણી પ્રચારમાં દરેક નેતાને ચૂંટણી લડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. 2024 લોકસભા ચૂંટણી માટે 95 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણીપ્રચાર પૂર્ણ થયા બાદ જે-તે ઉમેદવારે કરેલા ખર્ચની વિગત ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવાની થતી હોય છે.


