વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી
સિક્યુરીટી ફિન ભરવા છતાં પ્રથમ ફેઝનું કામ પૂર્ણ: બીજા તબક્કામાં તંત્રની લાલ આંખ
અગ્ર ગુજરાત, વીરપુર
વીરપુર ગ્રામ પંચાયતે લાલ આંખ કરીને 12 લાખની સિક્યુરિટી ફી ન ભરવા છતાં ગુજરાત ગેસ કંપનીએ પ્રથમ ફેઝ પૂર્ણ કરી બીજો ફેઝ શરૂ કરતા પંચાયતે પાઇપલાઇનનું કામ સ્થગિત કરાવ્યું
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુર (જલારામ) ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત ગેસ કંપનીની મનમાની સામે લાલ આંખ કરવામાં આવી છે. પંચાયત દ્વારા આપવામાં આવેલી ગેસ પાઈપ લાઈન નાખવાની મંજુરી તેમજ સિક્યુરિટી ડિપોઝીટના નાણાં ભર્યા વિના જ ગેસ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ રાખતા પંચાયતે આકરાં પગલાં લઈ કામ અટકાવી દીધું છે.
સત્તાવાર દસ્તાવેજો અનુસાર, વીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગત ૧૩ મે ૨૦૨૬ અને ત્યારબાદ ૬ જુલાઈ ૨૦૨૬ના રોજ ગુજરાત ગેસ લિમિટેડને પત્ર લખી જાણ કરવામાં આવી હતી. જેમાં રાધાકૃષ્ણ સોસાયટી અને હુડકો સોસાયટી વિસ્તારમાં સીસી રોડ તેમજ રસ્તા ખોદાણનો રિસ્ટોરેશન ચાર્જ (આશરે ૮ લાખ), વાર્ષિક ભાડું અને ૫૦% સિક્યુરિટી ડિપોઝીટ (આશરે ૪ લાખ) મળીને કુલ અંદાજે ૧૨ લાખ રૂપિયા જેટલી રકમ વીરપુર ગ્રામ પંચાયતમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું હતું.
વીરપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અક્ષય રાઠોડના જણાવ્યા મુજબ, કંપનીએ નોટિસ મળ્યા પછી સમય મર્યાદામાં નાણાં જમા કરાવ્યા ન હતા. આશ્ચર્યની વાત એ છે કે, ગેસ પાઈપ લાઈન નાખવાની મંજૂરી અને સિક્યુરિટી ડિપોઝીટના પૈસા ભર્યા વગર જ ગુજરાત ગેસ કંપનીના કૉન્ટ્રાક્ટરો એ પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરી દીધું હતું. એટલું જ નહીં, પંચાયતને ગાંઠ્યા વગર અને બંને ફેઝના પૈસા ભર્યા વગર જ કંપનીએ બીજા ફેઝનું કામ પણ શરૂ કરી દીધું હતું. આ બાબતે ગુજરાત ગેસ એક પ્રાઇવેટ કંપની હોય અને સરકારી તેજુરીને નુકશાન ન પહોંચે તે ધ્યાને આવતા પંચાયતે તાત્કાલિક અસરથી હસ્તક્ષેપ કરી પાઇપલાઇન નાખવાની સમગ્ર કામગીરી સ્થગિત કરાવી દીધી છે.
હાલ પંચાયતના તલાટીએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે જ્યાં સુધી ગુજરાત ગેસ કંપની દ્વારા ૧૨ લાખની સિક્યુરિટી ડીપોઝીટ રકમ પંચાયત કચેરીમાં જમા નહીં કરાવવામાં આવે, ત્યાં સુધી આગળની કોઈ પણ કામગીરી કરવા દેવામાં આવશે નહીં. પંચાયત દ્વારા જરૂર પડ્યે વધુ કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.


