રાજુલામાં દિવાળીના ગણતરીના જ દિવસો બાકી રહેતા બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો
ગ્રાહકોની ભારે ભીડથી વેપારીઓ ખુશખુશાલ : ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અગ્ર ગુજરાત, રાજુલા
પ્રકાશના પર્વ સમાન દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં તહેવારની રોનક જોવા મળી રહી છે. રાજુલાના મુખ્ય બજારોમાં વહેલી સવારથી જ ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ગ્રાહકો દિવાળી પર્વની ઉજવણી માટે કપડાં, ફટાકડા, અવનવા રંગોળીના કલરો, દીવડા સહિતની જીવનજરૂરી અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલા સ્થાનિક વેપારીઓમાં આ ભીડ અને ગ્રાહકોના ધસારાને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ, તહેવારોના આ દિવસોમાં બજારોમાં માનવ મહેરામણ ઉમટવાના કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


