- ઈઝરાયેલ સાથેના ક્લાઉડ પ્રોજેક્ટને લઈને ગુગલમાં બબાલ
- ગૂગલના કર્મચારીઓએ અમેરિકાના કેલિફોર્નિયામાં ઓફિસમાં હંગામો મચાવ્યો
- પ્રદર્શન કરી રહેલા અનેક કર્મચારીઓની પોલીસે કરી ધરપકડ
ગુગલ સાથે ઈઝરાયેલ સરકારના ક્લાઉડ પ્રોજેક્ટને લઈને કર્મચારીઓનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે આ મામલો વધુ ગરમાયો છે. વાત જાણે એમ બની કે મંગળવારે 16 એપ્રિલના રોજ આ પ્રદર્શન ગૂગલની ઓફિસ સુધી પહોંચ્યું હતું, જ્યાં ગૂગલના કર્મચારીઓએ અમેરિકાના કેલિફોર્નિયામાં ઓફિસમાં હંગામો મચાવ્યો હતો.
લગભગ આઠ કલાક સુધી હંગામો ચાલ્યો, જેના માટે પોલીસ પણ બોલાવવી પડી. કર્મચારીઓ ઇઝરાયેલ સાથે આ ડીલ ખતમ કરવાની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનને લઈને કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા. વાયરલ ક્લિપમાં ગુગલ ક્લાઉડના CEO થોમસ કુરિયનની ઓફિસમાં પ્રદર્શનકર્તાઓ હંગામો કરતા જોવા મળી રહ્યા છે. બાદમાં પોલીસે સ્થળ પર પહોંચીને તમામની ધરપકડ કરી હતી. પ્રદર્શનકર્તાઓનો આરોપ છે કે કંપની ઈઝરાયેલ સરકાર સાથે મળીને ક્લાઉડ પ્રોજેક્ટ નિમ્બસ પર કામ કરી રહી છે. એવામાં, ગૂગલને ઇઝરાયેલ સરકારને ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ આપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
પ્રદર્શનકારીઓ ન માન્યા તો પોલીસે કરી ધરપકડ
આ મામલા સાથે સંકળાયેલો એક વિડીયો પણ સામે આવ્યો છે. એવું માનવામાં આવે છે કે પ્રદર્શનકર્તાઓમાંના કોઈ એક શખ્સે આ વિડીયો રેકોર્ડ કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ ન્યૂયોર્કમાં ગૂગલની ઓફિસે પહોંચી અને દેખાવકારોને શાંત રહેવાનું કહેવા લાગી. બાદમાં તેમને ઓફિસ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસનું પાલન ન કરવા અને સતત વિરોધ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઈ-મેલ દ્વારા શરૂ થયો વિરોધ અને પછી…
મીડિયા અહેવાલ મુજબ, વિરોધ પ્રદર્શન કર્મચારીઓ વચ્ચે ઈ-મેઈલ દ્વારા શરૂ થયો હતો, જેમાં મુખ્યત્વે ઈઝરાયેલ સાથે 1.2 અબજ ડોલરની ડીલ તોડવાની માંગ કરવામાં આવી હતી. ગૂગલના અધિકારીઓનું કહેવું છે કે જે કર્મચારીઓએ કંપનીની નીતિ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અન્ય કર્મચારીઓ સાથે ઝપાઝપી કરનારા કર્મચારીઓ સામે કંપની કાર્યવાહી કરશે.
આખરે શું ઈચ્છે છે પ્રદર્શનકર્તાઓ?
પ્રદર્શનકારીઓમાંથી એક કર્મચારીએ નિવેદન આપતા જાણવું છે કે તે પોતાની નોકરી ગુમાવવા માંગતી નથી પરંતુ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી નોકરી પર પરત આવવું ખૂબ મુશ્કેલ છે. ત્યાં ઘણી બધી ચિતાઓ સળગી રહી છે. એવામાં, કર્મચારીઓ નિમ્બસ ડીલ તોડવાની માંગ કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટ પર કામ કરતા ઘણા કર્મચારીઓએ રાજીનામું આપવાની ઓફર પણ કરી છે.


