- કેનેડામાં 2023માં સર્જાયો હતો કાંટે ફિલ્મ જેવો ખેલ
- 22 મિલિયન કેનેડિયન ડોલરથી વધુની કિંમતની સોનાની લગડીઓની ચોરી
- એર કેનેડાના બે પૂર્વ કર્મચારીઓ પર લાગ્યો લૂટમાં મદદ કરવાનો આરોપ
કેનેડામાં સોનાની સૌથી મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે ભારતીય મૂળના બે લોકો સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં કેનેડિયન પોલીસે ત્રણ લોકો સામે વોરંટ પણ ઇસ્યુ કર્યું છે. જણાવી દઈએ કે 17 એપ્રિલ 2023ના રોજ 22 મિલિયન કેનેડિયન ડોલરથી વધુની કિંમતની સોનાની લગડીઓ અને વિદેશી ચલણ લઈ જતું એર કાર્ગો કન્ટેનર ચોરી કરવામાં આવ્યું હતું. આ કન્ટેનર સ્વિટ્ઝર્લેન્ડથી એર કેનેડાની ફ્લાઈટમાં લાવવામાં આવી રહ્યું હતું.
બંને શખ્સો એર કેનેડાના પૂર્વ કર્મચારીઓ
પોલીસનું કહેવું છે કે આ કેસમાં એર કેનેડાના બે ભૂતપૂર્વ કર્મચારીઓ પર લૂંટમાં મદદ કરવાનો આરોપ છે. તેમના નામ પરમપાલ સિદ્ધુ અને સિમરન પ્રીત પાનેસર જણાવવામાં આવ્યા છે. આમાંથી એક આરોપી સિદ્ધુની અટકાયત કરવામાં આવી છે, જ્યારે પાનેસર વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં ભારતીય મૂળના અમિત જલોટાની પણ ધરપકડ કરવામાં આવી છે. સિદ્ધુ અને જલોટા બંને ઓન્ટારિયોના રહેવાસી છે. એર કેનેડાના પ્રવક્તા પીટર ફિટ્ઝપેટ્રિકે પણ પુષ્ટિ કરી હતી કે સિદ્ધુ અને પાનેસર એર કેનેડા માટે કામ કરે છે. તેમણે કહ્યું કે સિદ્ધુએ તેમની ધરપકડ પહેલા કંપની છોડી દીધી હતી, જ્યારે પાનેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ક્યારે સર્જાઇ હતી લૂંટને ઘટના?
17 એપ્રિલ, 2023 ના રોજ, બપોરે 3:56 વાગ્યે, સ્વિટ્ઝર્લેન્ડથી એર કેનેડાની ફ્લાઈટ પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તેમાં 400 કિલો વજનના કન્ટેનરમાં 20 મિલિયન ડોલરથી વધુની કિંમતની 6,600 સોનાની લગડીઓ હતી. આ ઉપરાંત કન્ટેનરમાં લાખો ડોલરનું વિદેશી ચલણ પણ રાખવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ તરત જ કન્ટેનરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું હતું. બીજા દિવસે 18 એપ્રિલના રોજ પોલીસને ગુમ થયેલ કન્ટેનર અંગે જાણ કરવામાં આવી હતી. બાદમાં, પોલીસે સમય બગાડ્યા વિના તપાસ શરૂ કરી.


