- ઇઝરાયલ ગાઝા યુદ્ધને લઈને કોલંબિયા યુનિવર્સિટીમાં બબાલ
- યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક પ્રદર્શનકારીએ કર્યો હુમલો
- પીડિત ઇઝરાયલી વિદ્યાર્થી દ્વારા કરાઇ હતી પોલીસ ફરિયાદ
Columbia University Protest: કોલંબિયા યુનિવર્સિટીમાં ઈઝરાયેલ વિરુદ્ધ હોબાળો વધી રહ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં લગભગ 108 લોકોની ધરપકડ કરી છે, પરંતુ યુનિવર્સિટીનો માહોલ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને એક આરબ ઈઝરાયલી વ્યક્તિએ પોસ્ટ કર્યો છે.
પોસ્ટ મુજબ, કોલંબિયા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક પ્રદર્શનકારીએ તેમના પર હુમલો કર્યો. યોસેફ હદાદ નામના વ્યક્તિએ લખ્યું, વીડિયોમાં જોઈ શકાય છે કે એક માસ્ક પહેરેલા પ્રદર્શનકારીએ હુમલો કર્યો અને તેને જમીન પર પટકવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે હું મારા લેક્ચર માટે યુનિવર્સિટી કેમ્પસમાં જઈ રહ્યો હતો, પરંતુ મારા પર હુમલો થયો, તેથી કેમ્પસમાં જવાને બદલે મેં પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી. હદાદે આ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. તેણે વીડિયોની સાથે લખ્યું, ‘તેમણે ભલે લોહી વહાવ્યું હોય, પરંતુ આ કાયર મને ક્યારેય રોકી નહિ શકે. મે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.’
108 લોકોની ધરપકડ કરવામાં આવી
વાત જાણે એમ છે કે કોલંબિયા યુનિવર્સિટીમાં ઇઝરાયલ સાથેના સંબંધો ખતમ કરવા, તેનું ઇન્વેસ્ટમેન્ટ પરત કરવા અને યુદ્ધવિરામની માંગને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ‘ઈઝરાયેલ ગાઝા’ મુદ્દે હંગામો ચાલી રહ્યો છે. પેલેસ્ટિનિયન સમર્થકોના વિરોધને તોડવા માટે ગુરુવારે ન્યુયોર્ક પોલીસ વિભાગને બોલાવવામાં આવ્યો હતો. બુધવારે સવારથી સેંકડો વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના લૉન પર તંબુઓ લગાવી દીધા હતા, જે બાદ કોલંબિયાના પ્રેસિડેન્ટ દ્વારા કડક ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ વિદ્યાર્થીઓ ન માનતા પહેલા તેમને વેર-વિખેર કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં 108 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી.


