- સેબીએ બેનિફિશીયલ ઓનરશિપની વિગતો જાહેર ન કરવાનો આરોપ પણ મૂક્યો હતો
- સેબીની શો-કોઝ નોટિસના જવાબમાં સેટલમેન્ટ એપ્લિકેશન કરી દંડ ભરવા તૈયારી દર્શાવી
- ભૂતકાળના સમયગાળા દરમિયાન અદાણી જુથની કંપનીઓમાં નિર્ધારિત મર્યાદાથી વધુ રોકાણ કર્યું
અદાણી જુથની કંપનીઓમાં ભૂતકાળમાં એક સમયે નિયમનકારી જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને વધુ રોકાણ કરનારા 6થી પણ વધુ ફોરેન પોર્ટફોલિયો (એફપીઆઇ) હવે આ નિયમભંગ બદલ બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે સેટલ કરવાની તજવીજમાં છે એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. આ નિયમના ભંગ બદલ દંડ ભરવાની તૈયારી પણ આ વિદેશી ફંડોએ દર્શાવી છે એમ પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
ભૂતકાળમાં ચોક્કસ સમયગાળા દરમિયાન અદાણી જુથની કંપનીઓમાં નિર્ધારિત મર્યાદાથી વધુ રોકાણ કર્યું હોવાનો અને આ વિદેશી ફંડમાં અલ્ટિમેટ બેનિફેશિયલ ઓનર કોણ છે તેની વિગતો જાહેર નહીં કર્યાનો આરોપ સેબીએ સંબંધિત એફપીઆઇ પર મુક્યો છે. જે એફપીઆઇ આ રીતે સેટલમેન્ટ કરવાની તજવીજમાં છે તેમાં અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, એમસીજી ફંડ, એશિયા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (મોરેશિયસ), એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, વેસ્પેરા ફંડ અને એલટીએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. આ આઠ વિદેશી ફંડોએ સેબી સમક્ષ કુલ 16 સેટલમેન્ટ એપ્લિકેશન
ફાઇલ કરી છે. આના સિવાય પણ કેટલાક ફંડોએ આ પ્રમાણે નિયમોનો ભંગ કર્યો છે, જેમણે સેટલમેન્ટ એપ્લિકેશન ફાઇલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, એમ પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
સેબીએ આ ફંડોને શો કોઝ નોટિસ આપી છે અને એના સંદર્ભમાં સેટલમેન્ટ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ નિયમભંગના કિસ્સામાં ફંડો દ્રારા સેટલમેન્ટ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવે તે પછી તેને મંજૂર કરવી કે ફગાવી દેવી તેની સત્તા સેબીના હાથમાં છે.


