- કેન્દ્રીય ગૃહ વિભાગનો અધિકારી બની ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રોફ મારતો
- પોલીસની સરકારી ગાડીઓમાં લાગે તેવી લાલ-વાદળી લાઈટ પણ લગાવી હતી
- નકલી અધિકારી અસલી પોલીસની ગાડીની ઓવરટેક કરી અને ભાંડો ફૂટી ગયો
સૉફ્ટવેર એન્જીનીયર યુવકને સરકારી અધિકારીની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવાનો શોખ ભારે પડ્યો છે, ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગૃહ વિભાગના નકલી અધિકારી બનીને ફરતા યુવકની ધરપકડ કરી કાર જપ્ત કરી છે.
ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીનું નામ સૌરીશ બોસ હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો અધિકારી બનીને ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય સ્થળો પર રૌફ જમાવતો હતો. પરંતુ, ગુજરાત યુનિવર્સિટી પોલીસની સતર્કતાના કારણે આ નકલી અધિકારી ઝડપાઈ ગયો છે.
લોકસભાની ચૂંટણીને લઈને પોલીસનું સઘન ચેકીંગ ચાલી રહ્યું હતું તે દરમ્યાન આરોપી સૌરીશ પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો. આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને વાદળી લાઈટ લગાવેલી હતી. સરકારી ગાડીમાં ઈમરજન્સી સમયે વાગે તેવું હુટર પણ લગાવેલું હતું. પેટ્રોલિંગમાં ફરી રહેલી પોલીસ વાનની આરોપીની કારે ઓવરટેક કરી ત્યારે પોલીસને શંકા ગઈ હતી. જેને લઇને આરોપીની કારને ઊભી રાખી પૂછપરછ કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો.
આરોપી સૌરીન પશ્ચિમ બંગાળના કોલકતાનો રહેવાસી છે અને સોફ્ટવેર એન્જીનીયર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તે પુનામાં આવેલી માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે. સૌરીનને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ છે. અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયેલો છે. આ કેસમાં પણ સૌરીને પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યુ હતું.
આ ઉપરાંત સરકારી વાહનમાં લગાવેલી લાઈટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં કારમાં ભારત સરકાર નું લખાણ પણ લખ્યું હતું. આ આરોપી બે દિવસ પહેલા તે ઉદયપુર પણ આ પ્રકારે સરકારી અધિકારીની જેમ ગાડી લઈને ગયો હતો. મહત્વનું છે કે નકલી અધિકારી બનવાની સાથે આરોપીને આઇપીએસ અને આઈએસ અધિકારી સાથે ફોટો પડાવવાનો પણ ખુબજ શોખ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કાર જપ્ત કરી છે.
નકલી સરકારી અધિકારીની જેમ રોફ જમાવતા આરોપી સૌરીશ બોસ અગાઉ પણ વિવાદમાં આવ્યો છે તેણે નિવૃત આર્મી ઓફિસરની દીકરી સાથે લગ્ન કર્યા હતા. તેઓની વચ્ચે મનભેદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપીએ પોતાની પત્ની વિરુદ્ધ ગાડી ચોરીનો આક્ષેપ કરીને અરજી કરી હતી. તપાસમાં આરોપીએ પત્નીને ગિફ્ટમાં ગાડી આપી હોવાનું ખુલ્યું હતું. હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઈટ અને હુટર ક્યાંથી લગાવ્યું તેમજ આરોપીએ નકલી અધિકારી બનીને કોઈની સાથે છેતરપીંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.


