- બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈ મતદાર માહિતી સ્લિપનું વિતરણ કરાશે
- મતદાર સ્લિપમાં અપાયેલ બારકોડ સ્કેન કરતા જ તમામ વિગતો પ્રાપ્ત થઈ જશે
- તા.7 મેના રોજ મતદાન માટે ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7 મેના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બારકોડવાળી મતદાર સ્લિપનું વિતરણ શરૂ કરી દેવાયુ છે. જેમાં બીએલઓ ઘરે ઘરે જઈને મતદાર સ્લિપનું વિતરણ કરશે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર કુલ 14.49 લાખ મતદાર માહિતી સ્લિપ અને પ્રજ્ઞાચક્ષુઓ માટે 1586 બ્રેઈલ લીપીવાળી માહિતી સ્લિપનું વિતરણ કરાશે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો મેદાને છે. તા.7 મેના રોજ મતદાન માટે ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગ પણ કામગીરીમાં લાગી ગયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી 5 વિધાનસભા બેઠકો પર મતદાર માહિતી સ્લિપનું વિતરણ શરૂ કરી દેવાયુ છે. જેમાં બુથ લેવલ ઓફિસર પાંચેય બેઠક પર મતદાર માહિતી સ્લિપનું ઘરે ઘરે જઈ વિતરણ કરશે. આ માટે જે-તે વિધાનસભામાં મતદાર માહિતી સ્લિપ પહોંચાડી દેવાઈ છે.
જિલ્લામાં કુલ 14,49,228 મતદાર માહીતી સ્લિપ અને 1586 બ્રેઈલ લીપીવાળી મતદાર માહીતી સ્લિપ છપાવાઈ છે. મતદાર માહીતી સ્લિપમાં પ્રીન્ટ કરવામાં આવેલ બારકોડ સ્કેન કરતા જ મતદારની વિગતો મળી રહેશે.
આ ઉપરાંત સ્લિપમાં મતદાનની તારીખ, સમય, મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર, ભાગનું સરનામુ, મતદારનો ક્રમાક, મતદાન મથકનું નામ, સીઈઓની વેબસાઈટ, સીઈઓ કોલ સેન્ટર, ટોલ ફ્રી નંબર 1950 સહિતની વિગતો દર્શાવવામાં આવી છે.


