- કેનેડામાં કુલ આઠ લાખ શીખ વસે છે
- સરકાર કોઈપણ કિંમતે શીખોના અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરશે : ટ્રૂડો
- ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈકમિશનને બોલાવ્યા
કેનેડાના ટોરન્ટો શહેરમાં આયોજિત ખાલસા દિવસ સમારોહમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને વિરોધપક્ષના નેતા પિયરે પોઇલીવરની ઉપસ્થિતિમાં જ ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયો હતો. કેનેડામાં એન્ટિ ઇન્ડિયા સેન્ટિમેન્ટની આ નવી તસવીર છે. કેનેડાના સીપીએસી ટીવી દ્વારા જારી વીડિયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન ટ્રૂડો સમારંભને સંબોધવા મંચ પર પહોંચતાં જ મોટા સ્વરે સૂત્રોચ્ચાર શરૂ થયો હતો. કાર્યક્રમમાં ખાલિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા ત્યારે એનડીપી નેતા જગમીતસિંહ અને ટોરેન્ટોના મેયર ઓલિવિયા ચાઉ પણ હાજર હતા. કેનેડાના વિરોધપક્ષના નેતા પિયરે પોઇલિવરે ઉદબોધન કરવા પહોંચ્યા ત્યારે પણ આવા જ દૃશ્યો સર્જાયા હતા.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો શીખ સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે સરકાર કોઇપણ કિંમતે તેમના અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરવા હાજર છે. વિવિધતા કેનેડાની સૌથી મોટી શક્તિ છે.દેશ મતભેદો હોવા છતાં નહીં પરંતુ મતભેદો હોવા છતાં પણ મજબૂત છે. દરમિયાનમાં ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દિલ્હી ખાતેના કેનેડાના ડેપ્યૂટી હાઈ કમિશરને બોલાવી વિરોધ નોંધાવ્યો છે.


