- પ્રાથમિક તપાસમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાનું ખૂલ્યું
- દારૂની 10,911 બોટલ, બિયરના 3,509 ટીન સહિત રૂ. 37.39 લાખનો મુદ્દામાલ પકડાયો
- દારૂની એક ખેપના રૂ. 1.80 લાખ નક્કી કરાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણી સમયે દારૂની રેલમછેલ રોકવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર સીમેન્ટના ટાંકામાં દારૂ ભરેલ વાહન પસાર થવાની બાતમીને આધારે એલસીબી ટીમે વોચ રાખી હતી. જેમાં રાજસ્થાનના શખ્સને દારૂની 10,911 બોટલ અને બીયરના 3509 ટીન સાથે ઝડપી લીધો હતો. વાહન સહિત રૂપિયા 37,39,240નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણી સમયે દારૂના પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લીંબડી હાઈવે પર રાજસ્થાનથી સીમેન્ટના ટાંકાની આડમાં આવતો દારૂ એલસીબી ટીમે ઝડપી લઈ બુટલેગરોના દારૂના રેલમછેલ કરવાના ઈરાદા પર પાણી ફેરવી દીધુ છે. આ અંગે મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર એલસીબી ટીમના વિજયસીંહ પરમાર અને ભરતભાઈ સભાડને અમદાવાદથી રાજકોટ તરફ સફેદ મહોરાવાળા સીમેન્ટના ટાંકાની આડમાં દારૂ લઈ જવાતો હોવાની તથા તે લીંબડી હાઈવે પરથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ બી.એલ.રાયઝાદા, આર.જી.ઝાલા, એમ.આર.રાજપરા, ગોપાલસીંહ, મેહુલભાઈ સહિતનાઓએ શુક્રવારે મોડી સાંજે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ લાગતા સીમેન્ટના ટાંકાને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ગણતરી કરતા વીવીધ બ્રાન્ડની દારૂની નાની-મોટી 10,911 બોટલો અને બીયરના 3509 ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 21,50,340નો દારૂ, 3,50,900ના બીયરના ટીન, રૂપિયા 12 લાખનું વાહન મળી કુલ રૂપિયા 37,39,240ના મુદ્દામાલ સાથે આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લાના 33 વર્ષીય દાલુરામ ભુરારામ સીયાગને ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં શુટર નામના શખ્સે આ દારૂ ભરી આપ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આથી બંને સામે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે.
થાનમાંથી યુવાન વિદેશી દારૂના ચપલા સાથે પકડાયો
થાન પોલીસની ટીમ શુક્રવારે કોમ્બીંગ નાઈટ કરી રહી હતી. ત્યારે પીપળા ચોક તરફથી બાઈક લઈને આવતા શખ્સને અટકાવી તપાસ કરાતા તેની પાસેથી વિદેશી દારૂનું 1 ચપલુ મળી આવ્યુ હતુ. આથી રૂપીયા 100નો દારૂ અને રૂપીયા પ હજારના મોબાઈલ સહીત રૂપીયા 5100ના મુદ્દામાલ સાથે થાનના વાસુકી પ્લોટમાં રહેતા કલ્પેશ વાસ્કુરભાઈ મીયાત્રા સામે પ્રોહીબીશન મુજબની ફરીયાદ થાન પોલીસ મથકે નોંધાઈ છે.
દારૂની એક ખેપના રૂ. 1.80 લાખ નક્કી કરાયા હતા
ઝડપાયેલ આરોપી દાલુરામે પોલીસને જણાવ્યુ કે, 15 દિવસ પહેલા શુટર નામના વ્યકતીએ ગુજરાતમાં દારૂની ટ્રીપ કરવાની છે, હું તને એક ટ્રીપના રૂપીયા 1.80 લાખ આપીશ તેમ કહ્યુ હતુ. મારે પૈસાની જરૂર હોય મેં હા પાડી હતી. જયારે ર દિવસ પહેલા શીકર પાસે રહેલ વાહનની ચાવી અને સીમકાર્ડ આપ્યુ હતુ. અને રસ્તામાં વોટસએપ કોલ કરી આગળ કયાં જવાનું છે તેની જાણ કરતો હતો.


