આ વખતે રાજકોટ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હોટ સીટ, અપક્ષ સહિત ૯ ઉમેદવારો છે ચૂંટણી જંગમાં
સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ તેમજ માણાવદર અને પોરબંદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુખ્ય બન્ને પક્ષ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ૧૦૨ ઉમેદવારોના ભાવી આવતીકાલે ઇવીએમ મશીનમાં કેદ થવાના છે. ગુજરાતમાં સુરતની એક બેઠક અગાઉથી જ બીનહરીફ થઇ જતા ભાજપે જીતનું ખાતુ પહેલેથી જ ખોલાવી નાખેલુ છે. સુરતની સીટને બાદ કરતા ગુજરાતમાં બાકીની ૨૫ બેઠક પર ૨૬૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
સૌરાષ્ટ્રમાં બે કેન્દ્રીય મંત્રી પોતાના મત વિસ્તારથી બહાર ચૂંટણી લડી રહ્યા છે રાજકોટથી પરસોતમ રૂપાલા અને પોરબંદરથી ડો.મનસુખ માંડવીયાને પાર્ટીએ ટીકીટ આપી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ભાજપ અને આપ વચ્ચે ટકકર છે. એ સિવાય ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો ચૂંટણી લડે છે. કચ્છ, જામનગર, અને જુનાગઢમાં વર્તમાન સાંસદો ત્રીજી વખત ચૂંટણી લડે છે. રાજકોટમાં કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડવા આવતા અમરેલીનાં બે માથા વચ્ચે રાજકોટમાં ટકકર થઈ છે.
સૌરાષ્ટ્ર–કચ્છના મુખ્ય ઉમેદવારો
♦ રાજકોટ: ► પરસોતમ રૂપાલા (ભાજપ કડવા પટેલ)
► પરેશ ધાનાણી:(કોંગ્રેસ-લેઉવા પટેલ)
♦ જુનાગઢ: ► રાજેશ ચુડાસમા (ભાજપ-કોળી)
► હીરાભાઈ જોટવા (કોંગ્રેસ-આહીર)
♦ જામનગર:► પુનમબેન માડમ (ભાજપ-આહીર)
► જે.પી.મારવીયા (કોંગ્રેસ-લેઉવા પટેલ)
♦ અમરેલી: ►ભારત સુતરીયા (ભાજપ-લેઉવા પટેલ)
► જેનીબેન ઠુમ્મર (કોંગ્રેસ-લેઉવા પટેલ)
♦ પોરબંદર: ► ડો.મનસુખ માંડવીયા (ભાજપ-લેઉવા પટેલ)
► લલીત વસોયા (કોંગ્રેસ-લેઉવા પટેલ)
♦ ભાવનગર:►નિમુબેન બાંભણીયા (ભાજપ-કોળી)
► ઉમેશ મકવાણા (આપ-કોળી)
♦ સુરેન્દ્રનગર► ચંદુભાઈ શિહોરા (ભાજપ-ચુંવાળીયા કોળી)
► ઋત્વિક મકવાણા: (કોંગ્રેસ-તળપદા કોળી)
♦ કચ્છ: ► વિનોદ ચાવડા (ભાજપ-દલિત)
► નિતેશ લાલણ (કોંગ્રેસ-દલીત)
ગુજરાતમાં સુરતને બાદ કરતા ૨૫ સીટ પર ૨૬૫ ઉમેદવારો વચ્ચે જંગ
ગુજરાતની ૨૬ પૈકી સુરતની સીટ બીનહરીફ થયા બાદ ૨૫ બેઠક પર આવતીકાલે મતદાન થવાનું છે. રાજયમાં ૨૬૫ ઉમેદવારોના ભાવી કાલે ઇવીએમમાં કેદ થશે. જેમા ૨૪૭ પુરુષ ઉમેદવારો અને ૧૯ મહિલા ઉમેદવારો છે. ૪ કરોડ ૯૭ લાખ ૬૮ હજાર ૬૭૭ મતદારો ઉમેદવારોના ભાવી નક્કી કરશે. રાજ્યના કુલ મતદારોમાં ૨ કરોડ ૫૬ લાખ, ૧૬ હજાર ૫૪૦ પુરુષ મતદારો છે. જ્યારે ૨ કરોડ ૪૨ લાખ, ૫૦ હજાર ૬૦3 મહિલા મતદારો છે.
મતદાન મથકમાં મોબાઈલમાં સેલ્ફ લેવા પ્રતિબંધ
લોકસભાની ચૂંટણીનુ આવતી કાલે મતદાન હોય લોકોને મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ સેલ્ફી લેનાર લોકો સામે પગલા લેવામાં આવશે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ચુટણીના મતદાનના દિવસે લોકો મતદાન મથકમાં જતા હોય છે ત્યારે પોતાની સાથે મોબાઈલ લઈ જતા હોય છે પરંતુ આ વખતે મતદાન મથકોમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઈ પણ મોબાઈલ લઈ ને જતા ઝડપાઈ જશે તો તેવા લોકો સામે પગલા લેવામાં આવશે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.


