મતદાનના બીજા દિવસે પત્રકાર પરિષદમાં કહ્યું હવે ચૂંટણી નથી, કોઇ રાજકીય ઇરાદો પણ નથી, મન મોટું રાખો
“હવે તો મતદાન પણ પૂર્ણ થઇ ગયુ છે, મતવાળો વિષય પણ નથી, હવે કોઇ રાજનીતિ પણ નથી અને નથી મતનો કોઇ સ્વાર્થ ત્યાંરે ફરી એકવખત કહુ છું કે, મારી ૪૦ વર્ષની જાહેર જીવનની રાજકીય કારકીર્દીના કઠીન, પીડાદાયક દોરમાંથી પસાર થઇને રાજકોટ બેઠક પર ચૂંટણી લડતી વખતે ક્ષત્રિય સમાજને દુ:ખ પહોંચાડતુ જે વમળ સર્જાયુ એ બદલ હું સમગ્ર ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય સમાજની નારી શક્તિની માફી માગુ છું” દિલગીરીયુક્ત આ ક્ષમાયાચના ચૂંટણી પૂરી થયાના બીજા દિવસે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ખાસ પત્રકાર પરિષદ બોલાવીને કરી હતી.
આજે સવારે શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે પરસોતમ રૂપાલાએ પત્રકાર પરિષદ રાખી હતી. તેમા તેમણે કહ્યુ હતુ કે, મારી રાજકીય કારકીર્દીના સૌથી પીડાદાયક દોરમાંથી પસાર થઇને રાજકોટથી ચૂંટણી લડ્યો છું. ક્ષત્રિય સમાજની લાગણીને ઠેંસ પહોંચી એ મારી ભૂલ હતી, મારાથી ભૂલ થઇ હતી કે જેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ નારાજ થયો. સમગ્ર ઘટનાક્રમનો હું જ એકમાત્ર કેન્દ્રબિંદુ હું છું. પણ મારા માટે પીડાદાયક એ કહી શકાય કે મારા એક નિવેદનથી જે વમળ સર્જાયુ તેમા મારી આખી પાર્ટી લપેટાઇ ગઇ. મારી પાર્ટીને સહન કરવુ પડ્યુ. અમારી પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટિલને મારા વતી ક્ષત્રિય સમાજની દિલગીરી વ્યક્ત કરવી પડી. હું વિનમ્રતાપૂર્વક કહુ છું કે, હું પણ એક માણસ છું. માણસ માત્ર ભૂલને પાત્ર. જે કંઇ પણ બની ગયુ તેની સંપૂર્ણ જવાબદારી મારા એક પર લઉ છું. મારાથી જે કંઇપણ ભૂલ થઇ છે તે બદલ હું સંપૂર્ણ ક્ષત્રિય સમાજની, ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગુ છું. માફી આપવી એ તો ક્ષત્રિયોનું આભૂષણ કહી શકાય. ક્ષત્રિય સમાજ ઉદાર દીલથી ક્ષમા આપે તેવી વધુ એકવખત આશા રાખુ છું.
નરેન્દ્રભાઇને મારા લીધે સાંભળવુ પડ્યુ હશે એ મારા માટે પીડાદાયક
પરસોતમ રૂપાલાએ ભારે ખેદપૂર્વક અને વસવસો વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, અજાણ્યે મારા એક નિવેદનથી સર્જાયેલા વમળના લીધે ક્યાંક ને ક્યાંક વિશ્વ આખાની ઉમ્મીદ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇને સાંભળવુ પડ્યુ હશે એ પણ મારા માટે અતિ પીડાદાયક છે. મારા લીધે મારી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓને સાંભળવુ પડ્યુ તેનો પણ મને આજીવન રંજ રહેશે.


