૨૫ ડેમોમાં એક ટીપુ પણ પાણી નહી : અન્યમાં માત્ર ૨૦ ટકા જ જથ્થો : વરસાદ ઉપર નિર્ભર રાજય
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ દિવસે દિવસે તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પાણીનો વપરાશ વધી ગયો છે તેના કારણે સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમના તળીયા દેખાવા મંડયા છે તેમજ ૨૫ ડેમ મેદાનમાં ફેરવાઇ ગયા છે. સૌરાષ્ટ્રના ડેમોમાં માત્ર ૨૦ ટકા જેટલું જ પાણીનો જથ્થો સંગ્રહીત છે. મોટા ભાગનો મદાર હાલ વરસાદ ઉપર છે. જયારે રાજકોટ શહેરના ડેમો નર્મદાનીરથી છલકાવી દેવામાં આવ્યા હોવાથી જુલાઇના મધ્યાંતર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજયના ૨૦૬ ડેમમાં માત્ર 3૦ ટકા જેટલું જ પાણી હાલ છે.
રિપોર્ટ મૂજબ સૌરાષ્ટ્રના ડેમોમાં ૯૧૪૧૨ની ક્ષમતા સામે હાલ માત્ર ૧૮૭૩૦ એમસીએફટી એટલે કે ૨૦.૪૯ ટકા જ પાણી રહ્યું છે અને રાજ્યના ૭૫ ડેમોમાં ૧૦ ટકાથી ઓછુ ડેમો સુકા ફેરવાઈ ગયા છે જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના જ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કૂવા,બોરના તળ પણ નીચા ઉતર્યા છે. જો ચોમાસુ ખેંચાય તો જળસંકટના એંધાણ છે.
આ જ રીતે ઉત્તર ગુજરાતના ૧૫ ટુમીમાં ૨૧,૧૪૩ એમસીએફટી એટલે ૩૦.૯૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૦,૮૩૫ એમસીએફટી એટલે કે ૪૯.૬૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૧,૩૩, ૨૧૦ એમસીએફટી એટલે કે ૪૩.૭૭ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં માત્ર ૩૮૭૬ એટલે કે ૩૩.૦૩ ટકા જળરાશિ હાલ સંગ્રહિત છે.
જ્યારે સૌથી વધુ સંગ્રહ ગુજરાત અને સૌરાષ્ટ્રની જીવાદોરી એવા સરદાર સરોવરમાં ૧,૭૮,૪૭૭ એમ.સી.એફટી.નો છે જે કૂલ સ્ટોરેજના ૫૩.૪૩ ટકા છે. ગત વર્ષે આ દિવસની સાપેક્ષે નર્મદા ડેમમાં ૧૫,૫૪૨ એમ.સી.એફટી. નો સ્ટોરેજ વધારે જળવાયો છે.
દરમિયાન હાલ પ્રિમોન્સૂન જેવો બકારો એપ્રિલ માસથી જ અનુભવાઈ રહ્યો છે અને વરસાદ વહેલો આવે તેવી આશા છે. જ્યારે મૌસમ વિભાગે જૂનથી શરુ થનારું ચોમાસુ આ વર્ષે નોર્મલ રહેવાની અગાઉ આગાહી જારી કરી છે.


