- 2020માં ટ્રાયલ વખતે વેક્સિન લીધી હતી, કાનૂની દાવો માંડનારી USની પ્રથમ વ્યક્તિ
- વારંવાર હોસ્પિ.માં દાખલ થવું પડયું, હજારો ડોલરના નુકસાન સાથે નોકરી પણ છૂટી
- બ્રિએનના દાવા મુજબ વેક્સિન લીધા બાદ તેને ન્યુરોલોજિકલ તકલીફ થઈ હતી
અમેરિકામાં એક મહિલાએ ફાર્માસ્યૂટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સામે કાનૂની દાવો માંડયો છે. બ્રિએન ડ્રેસ્સેન નામની 42 વર્ષની આ મહિલાનો દાવો છે કે તે 2020માં એસ્ટ્રાઝેનેકાની કોવિડ વેક્સિનની ટ્રાયલ દરમિયાન વેક્સિન લીધા બાદ કાયમ માટે વિકલાંગ બની ચૂકી છે. બ્રિએનના દાવા મુજબ એસ્ટ્રાઝેનેકાની કોવિડ વેક્સિન લીધા બાદ તેને ન્યુરોલોજિકલ તકલીફ થઈ હતી. તે કોવિડ વેક્સિન મુદ્દે એસ્ટ્રાઝેનેકા સામે કાનૂની દાવો માંડનારી અમેરિકાની પ્રથમ વ્યક્તિ છે. તેનું કહેવું છે કે તેણે કરારભંગ બદલ એસ્ટ્રાઝેનેકા સામે દાવો માંડયો છે કેમ કે કંપની તેને ટ્રાયલ પછીની મેડિકલ કેર પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં પણ પચાસેક લોકોએ એસ્ટ્રાઝેનેકા સામે દાવો માંડેલો છે. બ્રિએનના કહેવા પ્રમાણે કંપનીએ તેને રિસર્ચ ઇન્જરીનો વાજબી ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું પણ તેણે વેક્સિન લીધા બાદ તરત જ તેને આખા શરીરે જાણે સોય ભોંકાતી હોય તેવી પીડા થવા લાગી હતી. કંપનીએ તેની સારવારનો કોઈ ખર્ચ ઉઠાવ્યો નથી.
સંતાનો પર સૌથી વધુ અસર થઈ.
વેક્સિન લીધા બાદ બ્રિએને વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું, જેના કારણે તેને હજારો ડોલરનું નુકસાન થયું, તે કાયમ માટે વિકલાંગ થઈ ગઈ અને તેની નોકરી પણ છૂટી ગઈ. તેને બે બાળકો છે, જેમાંથી એક 9 વર્ષનું અને બીજું 11 વર્ષનું છે. બ્રિએને કહ્યું કે તેની તકલીફોની સૌથી વધુ અસર તેના સંતાનો પર થઈ છે. તેણે એસ્ટ્રાઝેનેકા પાસેથી મેડિકલ ખર્ચ ઉપરાંત માનસિક તાણ, ગુમાવેલી આવક, પરિવહન અને કાનૂની ફી પેટે વળતર માગ્યું છે. એસ્ટ્રાઝેનેકાએ તાજેતરમાં કબૂલ્યું હતું કે તેની કોરોના વેક્સિનથી રેર કેસમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમની આડઅસર થઈ શકે છે.


