રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલીમાં તાપમાન ૪૪ ડિગ્રીને પાર : લૂ લાગવાથી હોસ્પિટલોમાં દર્દીઓનો ઉભરો
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા એક અઠવાડીયાથી ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન આંબી ગયું છે અને ગરમ લૂ વાઇ રહી છે જેને કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાથી હાલ હોસ્પિટલોમાં દર્દીનો ઉભરો થઇ રહ્યો છે ત્યારે હજુ પણ પાંચ દિવસ સૌરાષ્ટ્રવાસીઓ આકરા તાપમાં સેકાશે તેવી હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના શહેરોમાં હિટવેવ યથાવત રહ્યો છે અને આકાશમાંથી આગ ઝરી રહી છે.
રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગઇકાલે કંડલા એરપોર્ટ ઉપર 46.1 સે. નોંધાયું હતું અને અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 46 સે.એ પહોંચી ગયું હતું. અમરેલીમાં ૪૫ સે તો જુનાગઢ, રાજકોટ, ભૂજ, વલ્લભવિદ્યાનગર, ડીસા સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો 44 સે.ને પાર થયો હતો.
આશ્ચર્યજનક રીતે ગઇકાલે સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયેલ છે જ્યાં તાપમાન 40 સે.નીચે હોય ત્યાં ગઇકાલે 41.2 સે. નોંધાયેલ છે. દરિયાકાંઠા નજીક આવેલ હોવા છતાં ભાવનગરમાં 41 અને જિલ્લાના મહુવામાં તો તાપમાન 43 સે.ને પાર થયું હતું. મૌસમ વિભાગ અનુસાર આજે અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ ખાતે હીટવેવ એટલે કે નોર્મલી તાપમાન હોય તેના કરતા ઘણુ વધારે નોંધાયેલ છે. રાજ્યમાં પશ્ચિમનો એટલે કે દરિયા પરથી આવતો પવન અને ઉત્તર-પશ્ચિમનો પવન જારી રહ્યો છે.
આજે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, કચ્છ તથા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, મહેસાણા, પાટણ, વલસાડ જિલ્લાઓમાં હીટવેવની પૂરી શક્યતા મૌસમ વિભાગે જણાવી છે. હીટવેવની સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 30થી 60 કિ.મી. સુધીનો તીવ્ર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
એકધારા અસહ્ય તાપમાનથી બજારમાં બપોરના સમયે નીકળતા જ ધરતી ધગધગી ઉઠી હોય તેવી અકળામણ અનુભવાય છે જેના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું, પ્રવાસ કરવાનું ટાળવા લાગ્યા છે અને મોટાભાગે ઘર-ઓફિસમાં એ.સી.પંખાની ઠંડક સાથે સમય વિતાવતા હોય છે. રાજકોટ જેવા મહાનગરમાં તો સાંજના ૬ વાગ્યે પણ લૂ વર્ષા થતી હોય તેવો અનુભવ થાય છે.


