- ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો હિટવેવને લઈ નિર્ણય
- આગામી પાંચ દિવસ શૈક્ષણિક સંસ્થાઓ બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રખાશે
- એકેડેમિક એસોસિએશનનો વિધાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈ સૌ કોઈ હેરાન છે,ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ( FAA ) દ્રારા વિધાર્થીઓના હિતને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં અગામી પાંચ દિવસમાં શૈક્ષણિક સંસ્થાઓ બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રખાશે તો બપોરના સમયે વિધાર્થીઓ ઘરે જ રહેશે અને 5 વાગ્યા પછી શૈક્ષણિક કાર્યમાં જોડાઈ શકશે.
બાળકોને રક્ષણ મળી રહે તેવા પ્રયાસો
રાજ્યમાં ગરમી દિવસેને દિવસે નવો રેકોર્ડ સર્જી રહી છે. જેની અસરોને ધ્યાને રાખીને હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અને શાળાઓનો સમય બદલવા માટેની તાકીદ કરતો પરિપત્ર જાહેર કર્યો હતો. વડોદરા જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરી દ્વારા જેના અનુસંધાને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં શાળાનો સમય બદલવાની સાથે અન્ય જરૂરી તાકીદની બાબતોને લઇને જાણ કરવામાં આવી છે. આમ, ગરમીના વધતા જતા પ્રકોપ વચ્ચે શાળાઓના બાળકોને રક્ષણ મળી રહે તેવા પ્રયાસો કચેરી દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસનો વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.
બાળકોથી લઈને વૃદ્ધો હીટસ્ટ્રોકના શિકાર બન્યા
ભયંકર ગરમીને કારણે નાનાં બાળકોથી લઈને વૃદ્ધો તથા યુવાનો પણ હીટસ્ટ્રોકના શિકાર બન્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં મેચ નિહાળવા માટે આવેલા બોલિવૂડના કિંગ ખાન પણ અમદાવાદની ગરમીથી બચી શક્યા નથી. શાહરુખ ખાનને અમદાવાદની ગરમીથી લૂ લાગી હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. જ્યારે ગત રોજ 12 દિવસની બાળકીને લૂ લાગવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીને કારણે 13-15 લોકોનાં મોત નિપજ્યાં છે.
અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં તાપમાનનો પારો ટોચ પર રહ્યો હતો. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે પણ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્યનાં 11 શહેરોમાં હીટવેવની અસર રહી હતી. આજે પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આથી અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલાં ચેતી જજો, નહીં તો ગંભીર અસરો થઈ શકે છે.


