- પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સ્થિત ગર્લ્સ સ્કૂલમાં આગ
- સ્કૂલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી
- 1400 જેટલી વિદ્યાર્થીનીઓને બચાવી લેવામાં આવી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સ્થિત એક શાળામાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ઘટના સમયે શાળાની અંદર લગભગ 1400 વિદ્યાર્થીનીઓ હતી અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલી એક ગર્લ્સ સ્કૂલમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, જ્યારે આગ લાગી ત્યારે શાળાની અંદર સેંકડો વિદ્યાર્થીનીઓ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. 1400 જેટલી વિદ્યાર્થીનીઓને બચાવી લેવામાં આવી હતી. જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર, એક બચાવ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના હરિપુર જિલ્લાના સિરીકોટ ગામમાં સ્થિત સરકારી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં બની હતી.
શાળાનું મકાન લાકડાનું બનેલું હતું
આ વિસ્તારમાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ છે. અધિકારીએ જણાવ્યું કે પહાડી વિસ્તારમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના વાહનોને પણ ઘટના સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હરિપુર બચાવ વિભાગના પ્રવક્તા ફરાઝ જલાલે જણાવ્યું હતું કે શાળામાં લગભગ 1400 વિદ્યાર્થીનીઓ હતી જેમને શાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે આગથી સમગ્ર શાળાની ઇમારતને નુકસાન થયું છે. ઇમારતનો અડધો ભાગ લાકડાનો બનેલો હતો.


