- દસ લાખની લાંચ લેનારા બંને પોલીસ કર્મચારીને ત્રણ દિવસના રિમાન્ડનો હુકમ
- બે આરોપી પોલીસકર્મીના વોઈસ સેમ્પલ લઈ એફએસએલમાં મોકલાશે
- આરોપીઓને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ગાંધીનગર લઇ જવાના છે
ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરવા માટે રૂ.10 લાખની લાંચ લેતા પકડાયેલા ASI ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એસીબી દ્વારા બન્ને પોલીસ કર્મચારીઓના ગાંધીનગર એફએસએલમાં વોઈસ રેકોર્ડિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જો કે, આ ગુનામાં પોલીસ ઈન્સ્પેકટર બી.એમ.પટેલ ફરાર છે. જયારે સાઈબર ક્રાઈમના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી બાબતે એસીબીએ તપાસ ચાલુ કરી છે. રૂ.દસ લાખની લાંચ લેવાના મામલે એસીબીએ હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ કુંવરભાઇ પટેલ અને ASI ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતીની ધરપકડ કરી હતી.આ પછી બન્ને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યાં સરકારી વકીલ રવિનાથ ઠાકરે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ સાયબરક્રાઇ પોલીસ મથકમાં નોકરી કરે છે અને કાયદાકીય રીતે જાણકાર છે તેથી તપાસમાં સહકાર નથી આપી રહ્યાં, આરોપીઓ સાથે મુખ્ય આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.પટેલ ફરાર છે તે ક્યાં છે, આરોપી અમથાભાઇએ રૂ.10 લાખની લાંચ સ્વીકારી હતી ત્યારે આરોપી ગૌરાંગકુમાર હાજર હતો જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર હજુ મળ્યા નથી, તો અન્ય કોઇ સાયબર ક્રાઇમના અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં, આરોપીઓ સટ્ટા બેટિંગના ચાર્જશીટ કરવા પૈસા માગ્યા હતા તેથી તે કેસના પેપર તપાસ માટે મેળવવાના છે, આરોપીઓએ આ રીતે લાંચના પૈસાથી કેટલી મિલકત વસાવી, આરોપીઓએ ક્યાં ક્યાં રોકાણ કર્યું છે, આરોપીઓ બેંક લોકર અને એકાઉન્ટ વિશે તપાસ કરવાની છે, આરોપીઓને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ગાંધીનગર લઇ જવાના છે, આરોપીઓનું વીડિયો રેકોર્ડિંગર ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે લેવાનું હોવાથી તેમની હાજરીની જરૂર છે, આરોપીઓ લાંચ લેતા જે સંવાદો કર્યા છે તેની ટ્રાન્સસ્ક્રિપ્ટ અંગે આરોપીઓની હાજરી જરૂરી છે, આરોપીએ આ રીતે કેટલા લોકો પાસે લાંચ લીધી છે સહિતના મુદ્દા મામલે તપાસ કરવા આરોપીઓની હાજરી જરૂર છે. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
પોલીસ અધીકારીઓને પકડવામાં ખુદ પોલીસના હાથ ટૂકાં
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 માસમાં 3-3 પોલીસ ઈન્સપેકટર ફરાર થઈ ગયા છે આમ છતાંય પોલીસ હજુ સુધી તેમને પકડી શકી નથી. ચોરીના કે ચેઈન સ્નેચરના ગુનામાં નાનામાં નાના આરોપી પણ તાત્કાલિક ઝડપાઈ જાય છે પણ ગંભીર ગુનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ ખુદ પોલીસના હાથમાં આવી નથી રહ્યાં તે એક ચોકાવનારી બાબત છે, મહિલા તબીબના આપઘાત કેસમાં પીઆઈ ખાચર ફરાર છે તો વસ્ત્રાપુરમાં મારામારીની બાદ હત્યા કેસમાં પીઆઈ ગોવિંદ ભરવાડ પોલીસને હાથ નથી લાગી રહ્યાં ત્યાં ત્રીજા સાયબર ક્રાઈમના પીઆઈ બી.એમ.પટેલ સામે 20 લાખની લાંચ માંગવાનો કેસ દાખલ થઈ ગયો છે તે પણ બનાવ બન્યા બાદ ફરાર થઈ ગયા છે, આમ એક સાથે 3-3 પીઆઈ ફરાર હોવા છતાંય પોલીસના હાથ ટુંકા પડી રહ્યાં તેવુ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે


