- TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર, RMCને ફટકાર
- માત્ર નીચલા અધિકારી સામે જ કાર્યવાહી, કમિશનરો પર IPCની કલમ 302નો ગુનો કેમ નથી નોંધ્યો?
- કમિશનરો એસી ચેમ્બરમાં બેસીને આવી દુર્ઘટનાઓમાં હાથ ઊંચા કરી દે એ કોઈ પણ સંજાગોમાં ચાલે નહીં : હાઈકોર્ટ
રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડે હાથે લીધા હતા. ખાસ આ જ કેસની સુનાવણી માટે રચાયેલી ખાસ ખંડપીઠે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનરોને આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર ઠરાવતાં એક તબક્કે એટલે સુધી ફ્ટકાર લગાવી હતી કે, રાજકોટ મનપાના જવાબદાર તમામ કમિશનરો સામે આ અગ્નિકાંડ મામલે ઇપીકો કલમ-302 હેઠળ કેમ હત્યાનો ગુનો દાખલ કરાયો નથી? શા માટે માત્ર નીચલા અધિકારીઓ સામે જ કાર્યવાહી થઇ પરંતુ તમામ કમિશનરો સામે હજુ સુધી કેમ પગલાં નથી લેવાયા કે જયારે તેઓ જ ખરા જવાબદાર અને ગુનેગાર છે. તેઓ બધુ જ જાણતાં હતા અને છતાં કોઇ કાર્યવાહી કરી નથી અને તેના કારણે જ આખરે આ કરુણાંતિકા સર્જાઇ છે. સીટનો પ્રગતિ અહેવાલ આગામી 13 મી જૂનના રોજ રજૂ કરવા માટે ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાળાઓનો હાઈકોર્ટની ખંડપીઠે ઉધડો લેતાં વધુમાં જણાવ્યું કે, ખુદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો તરફ્થી દાખલ કરાયેલી એફિડેવિટમાં સ્વીકાર કરાયો છે કે, તેમના અધિકારીઓની ભૂલ, ફ્રજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારી પ્રસ્તુત કેસમાં દાખવાઇ છે ત્યારે તેઓ મ્યુનિસિપલ કમિશનરો પોતે પણ એટલા જ જવાબદાર છે કારણ કે, તેઓ પોતે સમગ્ર કોર્પોરેશનના વડા છે અને તેમને જો બધી વાતની ખબર હતી તો તેમણે તાત્કાલિક પગલાં લેવા જોઇતા હતા પરંતુ તે લીધા નથી, તેથી હવે તેઓની સામે પગલાં લેવાવા જોઇએ. હાઇકોર્ટે એટલે સુધી ટકોર કરી હતી કે, શા માટે તત્કાલીન તમામ મ્યુનિસિપલ કમિશનરોને જવાબદાર ઠરાવી સસ્પેન્ડ કેમ ના કરવા? શું મ્યુનિસિપલ કમિશનરો એસી ચેમ્બરમાં બેસી રહે અને આવી દુર્ઘટનાઓમાં હાથ ઉંચા કરી દે એ કોઇપણ સંજાગોમાં ચાલે નહી પ્રસ્તુત કેસમાં અધિકારીઓની તો બેદરકારી કે નિષ્કાળજી તો છે જ પરંતુ સૌથી પહેલી જવાબદારી અને નિષ્કાળજી તત્કાલીન તમામ મ્યુનિસિપલ કમિશનરોની બને છે. સરકાર દ્વારા કેમ તેઓની જવાબદારી નકકી કરાઇ નથી? કમિશનરોની જવાબદારી નક્કી કરવી જ પડશે.
હાઇકોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા કે, ટીઆરપી ગેમ ઝોન શરૂ થયુ ત્યારથી લઇ દુર્ઘટના બની ત્યાં સુધીના જવાબદાર તમામ મ્યુનિસિપલ કમિશનરોને સસ્પેન્ડ કેમ નથી કર્યા…? તમે રમત રમો છો અને બીજા ખાતાઓના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી પોતાની જવાબદારીમાં છટકી રહ્યા છો. આ દદનાક દુર્ઘટનામાં નિર્દોષ 28 લોકોના જીવ ગયા છે, તે રાજકોટના તમામ મ્યુનિસિપલ કમિશનરો સામે આઇપીસીની કલમ-302 હેઠળ હત્યાનો ગુનો કેમ દાખલ થયો નથી…?? રાજકોટ મનપા અને તેના કમિશનરોને ખબર હતી કે, ટીઆરપી ગેમ ઝોન ગેરકાયદે રીતે ચાલી રહ્યો છે તેમ છતાં કેમ પગલાં ના લીધા..? શું લોકોના જીવ જાય ત્યાં સુધી રાહ જોવાઇ..?? સરકારે હાઇકોર્ટનો મિજાજ જોતાં જણાવ્યું કે, જવાબદાર તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક ટ્રાન્સફર કરી દેવાયા છે પરંતુ હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં સરકારને સુણાવ્યું કે, માત્ર ટ્રાન્સફર કરવી પૂરતું નથી, તમામ મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારી નક્કી કરી તેઓની વિરૂધ્ધ તમારે આકરા પગલાં લેવા જ પડશે.
ફાયર સેફ્ટી મુદ્દે HCના કોઈ હુકમનું પાલન નથી
રાજ્યની તમામ કોર્પોરેશન અને સંબંધિત સત્તાવાળાઓને હાઈકોર્ટની ખંડપીઠે ઉદ્દેશીને ગંભીર ટકોર કરતાં જણાવ્યું હતું કે, ફાયરસેફ્ટીને લઇ હાઇકોર્ટ દ્વારા વારંવારના અને વખતોવખતના આદેશનું કોઇ પાલન જ થયુ નથી અને તેના પરિણામસ્વરુપ આવી દુર્ઘટનાઓ સામે આવી રહે છે. ખુદ કોર્પોરેશનના સોગંદનામાં પરથી પણ સ્પષ્ટ થાય છે કે, ફાયરસેફ્ટીમુદ્દે હજુ સત્તાવાળાઓએ ઘણું બધુ કરવાની જરૂર છે. એડવોકેટ અમિત પંચાલે સરકાર અને સત્તાવાળાઓના ફાયરસેફ્ટીમુદ્દે હાઇકોર્ટના હુકમનું પાલન નહી થતાં તેને સાદો કન્ટેમ્પ્ટ નહીં પરંતુ ગંભીર પ્રકારનો અદાલતી તિરસ્કાર ગણાવ્યો હતો અને જવાબદાર સત્તાધીશોને સાંભળ્યા વિના તેમની વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ્ કોર્ટ એકટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સીટ બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકતી નથી : HC
ખંડપીઠે કેસની સુનાવણી દરમ્યાન સરકારને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આવી દુર્ઘટનાઓ અને બનાવો વખતે સરકાર દ્વારા સીટ બને છે, તપાસ થાય છે અને જાય છે પરંતુ આવી દુર્ઘટનાઓ અટકતી નથી. હાઇકોર્ટે સરકાર અને તંત્રને રોકડુ પરખાવ્યું કે, આવી દુર્ઘટનાઓ કે બનાવો બાદ હાઇકોર્ટની લાલ આંખ કે હુકમો બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવે છે અને તપાસ કરે છે અને પગલાં લેવાની થોડા દિવસ કાર્યવાહી કરે છે અને ત્યારબાદબધુ જૈસે થે એટલે કે, હતુ એમનું એમ ચાલે છે. હાઇકોર્ટે સરકાર અને તંત્રના આ પ્રકારના વલણ અને માનસિકતાને લઇને પણ ગંભીર નારાજગી વ્યકત કરી હતી.
SIT 28મી જૂન સુધી તપાસ પૂરી કરી દેશે
એડવોકેટ જનરલ દ્વારા એવી રજૂઆત કરી હતી કે, સીટનો પ્રાથમિક તપાસનો અહેવાલ રજૂ કર્યો છે. પરંતુ તપાસનો આખરી અહેવાલ રજૂ કરવા માટે બે માસનો સમયની માંગણી કરી હતી. જો કે, સરકાર દ્વારા સીટને 28મી જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં રાજયના મ્યુનિસિપલ કમિશનરો અને ફાયર વિભાગ દ્વારા મોક ડ્રિલ સહિતની કાર્યવાહીનો ડેટા એફિટેવીટોમાં રજૂ કર્યો હતો. કોર્ટ સમક્ષ હાલ મોક ડ્રિલના ડેટા મુકાયા છે. હવે વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.
જે 28 લોકો આગમાં ભૂંજાયા તેમના પરિવારોને શું જવાબ આપીશું’
અરજદાર એડવોકેટે હાઇકોર્ટને ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર દર વખતે આવી દુર્ઘટનાઓ માત્ર ચાર લાખ રૂપિયાનું વળતર આપીને છૂટી જાય છે, જે કોઇ સંજોગોમાં ચાલે નહી. માનવીના જીવનનું મૂલ્ય રૂપિયામાં આંકી શકાય નહી. જે 28 લોકો આગમાં ભુંજાયા છે, એમના પરિવારોને આપણે શું જવાબ આપીશું. આપણા સૌની નૈતિક જવાબદારી બને છે. સરકાર દસ દિવસમાં ફાઇનલ રિપોર્ટ સીટ દ્વારા અપાશે તેવી વાત કરતી હતી અને હવે તા.28 જૂન કહે છે. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી મીડિયામાં માત્ર દેખાડો કરાય છે પરંતુ સરકારે જે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરો છે તેમને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ.


