કુવાડવા નજીક ટ્રકની અડફેટે હોમિયોપેથી વિદ્યાર્થીનું કરુણ મોત
ત્રિ-મંદિર પાસે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં કચ્છના 20 વર્ષીય નિખિલ બ્રાહ્મણનું ઘટનાસ્થળે જ મોત; રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી આર્યવીર કોલેજ જતો હતો ત્યારે દુર્ઘટના ઘટી
અગ્ર ગુજરાત, રાજકોટ
કુવાડવા પાસે ત્રિ-મંદિર નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. નિખિલ બ્રાહ્મણ સવારે અમદાવાદ હાઇવે પર આવેલ પોતાની આર્યવીર કોલેજ ખાતે બાઈક લઈને જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
મૂળ કચ્છનો વતની 20 વર્ષીય નિખિલ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો. બનાવની જાણ થતા મેડિકલ સ્ટુડન્ટ દોડી ગયા હતા અને ભારે શોક છવાયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, નિખિલ દશરથભાઈ બ્રાહ્મણ (ઉંમર વર્ષ 20, રહે. હાલ, પીડિયુ મેડિકલ કોલેજ હોસ્ટેલ, રાજકોટ, મૂળ કચ્છ કાપુરાશિ, કોરિયાની) આજે સવારે 8 વાગ્યા આસપાસ પોતે પોતાનું બાઈક ચલાવીને પોતાની કોલેજે જતા હતા.
ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર કુવાડવાથી આગળ ત્રિ-મંદિર પાસે રોડ પર પડેલ બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા અકસ્માત થતા નિખિલને માથે શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેમને તત્કાલ 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અહીં ઇમરજન્સી રૂમમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલ. તેમના મોટા ભાઈ પાર્થ બ્રાહ્મણ પણ પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. ઇન્ટર્ન ડોક્ટર છે. તેઓને જાણ થતા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમ ખાતે દોડી આવતા, નાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી ભારે આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સાથે અન્ય મેડિકલ સ્ટુડન્ટસ, ડોક્ટર્સ પણ એકત્ર થઈ ગયા હતા. નિખિલના વતનમાં કચ્છ જાણ કરાતા તેમના પિતા દશરથભાઈ વાલજીભાઈ સહિતના પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા હતા.
નિખિલભાઈ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી આર્યવીર હોમિયોપેથીક કોલેજમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હતા અને પોતાના મોટા ભાઈ સાથે પીડીયું હોસ્ટેલમાં રહેતા હતા. પોલીસે જરૂરી કાગડી કાર્યવાહી કરીને મૃતદેવી માટે ખસેડ્યો હતો. આ તરફ મેડિકલ સ્ટુડન્સ અને મૃતકના પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો.


