- વાવેતરના સમયે લેવાયેલ નમૂનાના રિપોર્ટ ક્યારે આવશે? તેવી ચર્ચા જાગી
- માત્ર કાગળ પર જ કામગીરી બતાવવા દુકાનદારોને પરેશાન કરાતા હોવાની રાવ
- તંત્રની હાલની કામગીરી પર અનેક અટકળો વહેતી થઈ છે
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. પાણીની પર્યાપ્તતા હોય તેવા ખેડૂતોએ તો કપાસનું આગોતરૂ વાવેતર પણ કરી દીધુ છે. જયારે અન્ય ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવેતર પહેલા બજારમાં નકલી બિયારણોની બુમરાણો ઉઠી છે. નકલી બિયારણોના ઉપયોગથી ખેડૂતોના પાક નીષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આથી આ અંગેની રજૂઆતો થતા ખેતીવાડી વિભાગે છેલ્લા 2-3 દિવસથી કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં શહેરમાં આવેલ વિવિધ ફર્ટીલાઈઝર્સની દુકાનેથી બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓના નમુના લેવાયા હતા. અને એકસપાયરી ડેટ થઈ ગયેલ દવાઓનો નાશ કરવા દુકાનદારોને જણાવાયુ હતુ. તંત્રની હાલની કામગીરી પર અનેક અટકળો વહેતી થઈ છે. કારણ કે, મોટાભાગના ખેડૂતોએ બિયારણની ખરીદી કરી લીધી છે. અને તંત્ર દ્વારા લેવાયેલ બીયારણના નમુનાના રીપોર્ટ વાવેતર અને પાક લણવાની તૈયારી સમયે આવતા હોય છે. બીજી બાજુ માત્ર કાગળ પર કામગીરી કરવા અને દુકાનદારોને હેરાન કરવા તંત્રે કામગીરી કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડયુ છે.


