- સાઠંબાથી બાયડ જતાં માર્ગ પર વહેલી સવારે હિટ એન્ડ રન
- આરટીઓ, પોલીસ બેફમ બનેલા ડમ્પર, ટ્રકચાલકોને લગામ લગાવે તેવી માગ
- બાયડમાંથી પસાર થતો મોડાસા- નડિયાદ હાઇવે એકસીડન્ટ ઝોનમાં ફેરવાઈ ચૂક્યો છે
સાઠંબાથી બાયડ જતો માર્ગ પણ એક્સિડન્ટ ઝોનમાં તબદીલ થઈ રહ્યો છે. સાઠંબા માર્કેટયાર્ડ પાસે રવિવારે વહેલી સવારે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં એકનું મોત નીપજયું હતું. અરવલ્લી આરટીઓ અને પોલીસ બેફમ બનેલા ડમ્પર અને ટ્રક ચાલકોને લગામ લગાવે તેવી માંગણીઓ ઉઠી છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બાયડમાંથી પસાર થતો મોડાસા- નડિયાદ હાઇવે એકસીડન્ટ ઝોનમાં ફેરવાઈ ચૂક્યો છે. અહીં દર બીજા – ત્રીજા દિવસે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ હવે તો બાયડથી સાઠંબા જતા માર્ગ પર પણ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. રોડ સાઈડ પર જતા રાહદારીઓ કે દ્વિચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ પણ જોખમી બની ગયો છે.
જેમાં સાઠંબા માર્કેટ યાર્ડ પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બાયડ તાલુકાના ચાંપલાવત ગામના સોલંકી પ્રભાતસિંહ નામના આધેડ રોડ સાઈડ પર ચાલતા જઈ રહ્યા હતા.
ત્યારે પાછળથી આવતા એક બેફમ ટ્રક ચાલકે તેમને હડફેટે લીધા હતા. ટ્રકના કદાવર ટાયર આધેડ પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વહેલી સવારે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજ બહાર આવતા ટ્રક પૂરપાટ ઝડપે પસાર થતી કેમેરામાં કેદ થઈ હતી. રસ્તાની સાઈડે ચાલતા જતા ચાંપલાવત ગામના આધેડને કચડી નાખી ટ્રક ચાલક ફરાર થઈ જતો કેમેરામાં આબાદ ઝડપાયો હતો. ઘટના બાદ લોકો એકઠા થઈ ગયા હતા. સાઠંબા પોલીસે આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ આદરી છે.


