- સુભાષબ્રિજ RTOમાં સ્કૂલવર્ધી ચાલકોની કાર્યવાહીમાં બેકલોગની કામગીરી ખોરંભે ચડી
- વાહનના 2010 પહેલાંના લાઇસન્સના બેકલોગ માટે 20 દિવસનો સમય લાગે છે
- બેકલોગની અરજીઓનો 20થી 25 દિવસ સુધી નિકાલ જ થતો ન હોવાથી લોકો હેરાન
સુભાષબ્રિજ આરટીઓમાં સ્કૂલવર્ધી ચાલકોની કાર્યવાહીના લીધે હવે લાઇસન્સધારકોના કામ અટવાયા છે. વાહનના 2010 પહેલાંના લાઇસન્સના બેકલોગ માટે 20 દિવસનો સમય લાગે છે. લાઇસન્સના બેકલોગની અરજીના નિકાલ બાદ જ બીજી પ્રોસેસ થઇ શકતી હોવાથી લોકો ધક્કે ચઢયા છે.
અરજદારોએ રોષ ઠાલવતા કહ્યું કે, વાહનના 2010 પહેલાના લાઇસન્સમાં રિન્યુ, ડુપ્લિકેટ, એડ્રેસ ચેન્જ, એક લાઇસન્સ હોય અને બીજાનો ઉમેરો કરવા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા સહિત ઇન્ટરનેશનલ લાઇસન્સ જોઇતું હોય તો બેકલોગ વગર અરજી થઇ શકતી નથી. પ્રથમ તો 2010 પહેલાના લાઇસન્સને બેકલોગ કરાવવું પડે છે. લાઇસન્સ બેકલોગ થયા બાદ સિસ્ટમમાં અપલોડ થાય છે. લાઇસન્સ સિસ્ટમમાં દેખાયા બાદ અરજદાર અરજી કરે તો અરજીના આધારે તેમાં તેમાં સુધારા-વધારા કરાવી શકાય છે. પરંતુ બેકલોગની અરજીઓનો 20થી 25 દિવસ સુધી નિકાલ જ થતો ન હોવાથી લોકો હેરાન થઇ ગયા છે. આરટીઓના સુત્રો કહ્યું કે, સ્કૂલવર્ધીના વાહન ચાલકોના પ્રશ્ને છેલ્લા 15 દિવસથી દોડાદોડ હતી. હવે હડતાળ સમેટાઇ ગઇ છે. આથી પેન્ડિંગ અરજીનો નિકાલ થઇ જશે. બીજી બાજુ બેકલોગની અરજીનો સમયસર નિકાલ ન થવાથી કેટલાકના લાઇસન્સ એક્સપાયર થઇ જવાની સ્થિતિ સર્જાઇ છે. આવા અરજદારોને વાહનના કાચાં અને પાકાં લાઇસન્સનો સમગ્ર ખર્ચ ફરી કરવો પડે છે. ઇન્ટરનેશનલ લાઇસન્સ ધારકો તો સમય હોવા છતાં લાઇસન્સ મેળવી શકતા નથી. આવી સમસ્યાઓનો સામનો કરનાર અરજદારોને આરટીઓમાં રૂબરૂ ધક્કા ખાવા પડે છે.
લાઇસન્સની ફેસલેસ અરજીઓનો પણ ભરાવ
વાહનના લાઇસન્સની રિન્યુ, ડુપ્લિકેટ, એડ્રેસ ચેન્જ સહિતની કામગીરી માટે ઓનલાઇન એટલે કે ફેસલેસ અરજી કરાય છે. આ અરજીઓનો પણ ભરાવ થયો છે. હાલ અંદાજે ત્રણ હજાર અરજીઓ પેન્ડિંગ હોવાનું મનાય છે. અરજીના નિકાલ માટે લોકો આરટીઓમાં ધક્કા ખાય છે. પરંતુ ફેસલેસ અરજીના નિકાલ માટે કોઇ અલાયદી વ્યવસ્થા નથી. કેટલીક અરજીઓ રિવેટ કરી હોવાથી અરજદાર આવે ત્યારે તેને ખબર પડે છે,કે તેની અરજીઓમાં અમુક વિગત કે પુરાવા બાકી છે. લોકો પરેશાન થઇ ગયા છે, છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.


