પોલીસે અટકાવવા પ્રયત્ન કરતાં સ્કોર્પિયો મારી મૂકી, ગભરાટમાં અનેક અકસ્માત સર્જયા : સદનસીબે હિટ એન્ડ રન થતાં રહી ગયું
રાજકોટમાં દારૂ પીધેલી હાલતમાં બેફામ વાહન ચલાવતા નશેડી અને ગંજેડી બાબુડીયાઓનો ત્રાસ હવે વધ્યો છે. ગતરાત્રીના શહેરના આમ્રપાલી ફાટક નજીક ચુડાસમા પ્લોટ વિસ્તારમાંથી સ્કોર્પિયો લઇને નીકળેલા એક કિશોર વયના બાબુડીયાને પોલીસે રોકવા જતાં તેણે બેફામ સ્પીડે વાહન મારી મુકયું હતું. જે આગળ જતાં યાજ્ઞિક રોડ પર ગભરાટમાં વાહન ઉપરથી કાબુ ગુમાવી ચુકયો હતો અને અડધો ડઝન જેટલા વાહનોને હડફેટે લીધા હોવાની ઘટના બની હતી. સદનસીબે આ બેકાબુ વાહનની હડફેટે કોઇ નાગરિક ન આવતાં હિટ એન્ડ રન સર્જાતા રહી ગઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ સ્કોર્પિયો લઈ નીકળેલા કિશોરને ડો.યાજ્ઞિક રોડ પર પોલીસે અટકાવતા ગભરાઈ જતાં ભાગી ગયો હતો. જેથી પોલીસે પણ પીછો કર્યો હતો. આ દરમિયાન ચુડાસમા પ્લોટમાં પહોંચતાં ગમે તે કારણસર કાબુ ગુમાવતા સ્કોપિયો હડફેટે બે કાર અને ટુ વ્હીલર સહિતના વાહનો ચડી જતાં નાસભાગ મચી ગઈ હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે જે વાહનોમાં ગાય નુકસાની થઈ હતી તેના માલીકોને બોલાવતાં ફરિયાદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. વાહન માલીકોએ ફરિયાદ કરવાનો ઈન્કાર કરતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.


