- કથિત ઈશનિંદાના આરોપમાં એક શખ્સની હત્યા કરી કિશોર પલાયન
- પાકિસ્તાનમાં ધાર્મિક હિંસાના સતત વધતા બનાવો
- અગાઉ ટોળાએ એક વ્યકિતની હત્યા કરી આગને હવાલો કર્યો હતો
તાજેતરમાં જ પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈશનિંદાની ઘટના ચર્ચામાં રહી છે. જેમાં ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના સ્વાત જિલ્લામાં ધાર્મિક પુસ્તકનું અપમાન કરવા બદલ ગુસ્સે ભરાયેલા ટોળાં દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ પછી એક પોલીસ સ્ટેશનને આગ ચાંપી દેવામાં આવી હતી. ટોળાએ પોલીસ સ્ટેશનમાં ઘુસીને ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ વળતી કાર્યવાહી કરી હતી. આ હિંસામાં આઠ લોકો ઘાયલ થયા.
હવે ઈશનિંદાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક 14 વર્ષીય મદરેસાના વિદ્યાર્થીએ શિયા લઘુમતી મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિને કથિત રીતે ધાર્મિક ભાવનાને લાગણી ભડકાવતા ચાકુ મારીને હત્યા કરી દીધી હતી.
રવિવારે લાહોરથી 170 કિમી દૂર ગુજરાતના કુંજામાં એક સગીર મદરેસાના વિદ્યાર્થીએ તેના પિતા અને કાકાની ટિપ્પણીઓથી ઉશ્કેરાઈને 55 વર્ષીય નઝીર હુસૈન શાહની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. સગીરના પિતા, જે સુન્ની મસ્જિદમાં આગેવાન છે. સગીરને તેના કાકાએ કહ્યું હતું કે નઝીર હુસૈન શાહ અવારનવાર ધાર્મિક ટિપ્પણી કરતો હતો. આ વખતે ગુસ્સામાં તે છરી લઈને ઘરની બહાર નીકળી ગયો હતો. અને તેણે શિયા સમુદાયના નઝીર હુસેન શાહ પર છરી વડે હુમલો કર્યો જ્યાં તે મૃત્યુ પામ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું, “તેના પિતા અને કાકાના કહેવાથી ગુસ્સે ભરાયેલો સગીર છરી લઈને ઘરની બહાર આવ્યો. રવિવારે બપોરે તેણે નઝીર હુસૈન શાહ સાથે અથડામણ કરી. સગીરે તેના પર ઘણી વાર હુમલો કર્યો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. નઝીરની હત્યા કરનાર કિશોર સ્થળ પરથી ભાગી ગયો હતો.” પોલીસે જણાવ્યું કે સગીરને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે. પિતા અને કાકા વિરુદ્ધ પાકિસ્તાન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


