રાજુલા શહેર અને ગ્રામ્યમાં ટ્રકમાંથી બેટરી ચોરી કરતા ૩ આરોપીઓ ઝડપાયા
વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો; રૂ. ૩.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે હીડોરણા અને રાજુલા ટાઉન વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકોમાંથી કીંમતી બેટરીઓની ચોરી કરતી તસ્કર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોરીમાં ગયેલ તમામ ૧૨ નંગ બેટરીઓ અને ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલી બલેનો કાર સહિત કુલ રૂ. ૩,૭૮,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૩/૦૬/૨૦૨૬ની રાત્રિથી ૧૪/૦૬/૨૦૨૬ના સવારના સમયગાળા દરમિયાન રાજુલાના હીડોરણા ગામ નજીક હાઇવે પર સાઇડમાં પાર્ક કરેલી ટ્રકો તેમજ રાજુલા ટાઉનના અલગ-અલગ વિસ્તારોમાંથી અજાણ્યા ચોરોએ વાહનોમાંથી કુલ ૧૨ નંગ બેટરીઓની ચોરી કરી હતી. આ ચોરી થયેલી બેટરીઓની કુલ કિંમત રૂ. ૭૮,૦૪૦ થવા જતી હતી. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) તથા ૫૪ મુજબ ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.કોલાદરા દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ગુજરાત સરકારના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં એક શંકાસ્પદ કાળા કલરની નંબર પ્લેટ વગરની બલેનો ગાડી જોવા મળી હતી. કેમેરામાં અજાણ્યા ચોરો આ ગાડીમાંથી ઉતરીને ટ્રકમાંથી બેટરી ચોરી કરતા નજરે પડ્યા હતા. આ ગાડી અને શંકાસ્પદ ઇસમો અંગે ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા ત્રણ આરોપીઓ ઝડપી પાડયા હતાં.
જેમાં અખ્તર અબ્દુલકાદરભાઇ જીરૂકા, અરમાન સુલેમાનભાઇ ડેલા, જુબેરભાઇ સિકંદરભાઇ જીરૂકા કુલ ત્રણેય આરોપીઓને ચોરી કરેલ વાહનોની બેટરી ૧૨ નંગ જેની કિંમત રૂ. ૭૮,૦૪૦ ચોરીમાં ઉપયોગમાં લીધેલી બલેનો કાર રૂ. ૩,૦૦,૦૦૦ કુલ રૂ. ૩,૭૮,૦૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતાં. આ તસ્કર ગેંગના સાગરીતો રાત્રિના સમયે ભેગા મળીને પોતાની ફોર વ્હીલર ગાડી બલેનોમાં નીકળતા હતા. હાઇવે કે રોડ સાઇડમાં પાર્ક કરેલા મોટા વાહનો જેવા કે ટ્રકને તેઓ નિશાન બનાવતા હતા. ટ્રકમાં ફીટ કરેલી કીમતી બેટરીઓ કાઢી, પોતાની ગાડીમાં ભરીને અંધારાનો લાભ લઇ નાસી જતા હતા. આ કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ચૌહાણ તથા મધુભાઇ પોપટ, હરેશભાઇ વાળા, મનુભાઇ માંગાણી, સુરેશભાઇ મેર, રવીભાઇ વરૂ, મહેશભાઇ બારૈયા, ગોવિંદભાઇ કાતરીયા, અમીતભાઇ મકવાણા, મેહુલભાઇ પંડયા અને ભવદિપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.


