- 1985માં સર્જાયેલી ઘટનાના પીડિતોને અંજલિ આપી
- કેનેડામાં આતંકવાદના મહિમામંડનની સતત બનતી ઘટનાઓ નિંદનીય : ભારતીય રાજદૂત
- ભારતીય દૂતાવાસ દ્વારા ટોરન્ટો અને વાનકુંવર ખાતે રવિવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજ્યા
કેનેડામાં આતંકવાદ મહિમા મંડન કરતાં સતત બની રહેલી ઘટનાઓની ભારતે આલોચના કરી છે. ભારતે જણાવ્યું કે કેનેડામાં આતંકવાદ મહિમા મંડન નિયમિતપણે કરવામાં આવે છે.હકીકતે તમામ શાંતિપ્રિય દેશો અને લોકોએ આતંકવાદની આલોચના કરવી જોઈએ.
ભારતના દૂતાવાસે 1985માં સર્જાયેલા કનિષ્ક બોમ્બ વિસ્ફોટની વરસી પ્રસંગે પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજદૂતે જણાવ્યું હતું કે આતંકવાદને કોઈ સરહદ, રાષ્ટ્રીયતા કે વંશ નથી હોતો. ઉલ્લેખનીય છે કે 23 જૂન, 1985ના રોજ મોન્ટ્રિયલ-લંડન-દિલ્હી રૂટ પર ઉડાન ભરી રહેલા વિમાન કનિષ્કમાં એટલાન્ટિક મહાસાગરમાં વિસ્ફોટ થયો હતો. કેનેડા ખાતે રહેતા ખાલિસ્તાની આતંકવાદીઓએ આ કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં એર ઇન્ડિયાના વિમાનમાં સફર કરી રહેલા 86 બાળકો સહિત 329 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાની વરસી પ્રસંગે ભારતીય દૂતાવાસ દ્વારા ટોરન્ટો અને વાનકુંવર ખાતે રવિવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજ્યા હતા. રાજદૂતે આ પ્રસંગે કહ્યું કે આ કાયરતા કૃત્ય સર્જાયાને 39 વર્ષ વીતી ગયા છે,પરંતુ દુર્ભાગ્યની વાત છે કે આતંકવાદ આજે પણ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ બની રહ્યો છે.
કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ભાગલાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાની પહેલી વરસી પર બે મિનિટનું મૌન પાળતાં ભારતે તેની ટીકા કરી હતી. હવે કેનેડાના પત્રકાર ડેનિયલ બોર્ડમેને પણ આ કૃત્ય બદલ સરકારની ટીકા કરી છે. ડેનિયલે કહ્યું કે આ ઘટના એક નૈતિક અપમાન છે. સરકારમાં ખાલિસ્તાની ઘૂસણખોરી થઈ ચૂકી છે. છેલ્લા દાયકાથી આ ચાલી રહ્યું છે. આતંકવાદ અને છેતરપિંડી બદલ નિજ્જરને બે વાર કેનેડા આવવા રોકવામાં આવ્યો હતો પરંતુ તે ચુપકીદીથી કેનેડા આવી ગયો.


