અમદાવાદ હાઈવે પર દ્વારકાના દર્શન માટે નીકળેલા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત
માલિયાસણ-બેડી બાયપાસ પર વહેલી સવારે બસ પલટી ; 19 યાત્રિકોમાંથી 5ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા, અન્યને પ્રાથમિક સારવાર અપાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકાના દર્શન માટે અમદાવાદથી નીકળેલા પરિવારોની યાત્રા રાજકોટ નજીક અકસ્માતમાં ફેરવાઈ હતી. માલિયાસણ અને બેડી વચ્ચેના બાયપાસ માર્ગ પર એક ખાનગી મિની લક્ઝરી બસ અચાનક પલટી મારી જતાં તેમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદના રાણેકપુર વિસ્તારની એક જ સોસાયટીમાં રહેતા અલગ-અલગ પરિવારોના કુલ 19 સભ્યો દ્વારકાધીશના દર્શન માટે મિની લક્ઝરી બસ મારફતે રવાના થયા હતા. વહેલી પરોઢે બસ રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણથી બેડી તરફના બાયપાસ માર્ગે પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું. અકસ્માતમાં તમામ યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં મીત રાકેશભાઈ પટેલ, રાકેશભાઈ નારણભાઈ પટેલ, માન્ય ભરતભાઈ પ્રજાપતિ, નીતાબેન સુનિલભાઈ પટેલ અને વર્ષાબેન ભરતભાઈ પ્રજાપતિને વધુ ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. અન્ય ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પોલીસ નિવેદન નોંધવા પહોંચી હતી, પરંતુ અકસ્માતગ્રસ્તોએ કોઈ ફરિયાદ ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી નહોતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે જરૂરી નોંધ લઈ તપાસ હાથ ધરી છે.


