ટીઆરપી આગકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસ દ્વારા અપાયેલા રાજકોટ બંધના એલાનને મહદઅંશે સજ્જડ સ્વયંભુ બંધનો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટની લગભગ તમામ મુખ્ય બજારો સજ્જડ બંધ રહી હતી. અપવાદરૂપ કિસ્સામાં કેટલીક દુકાનો ખુલી હતી તેને વિનંતી કરવામાં આવતા બંધ કરી દેવામાં આવી હતી. એકંદરે રાજકોટની જનતાએ સરકારની ટીઆરપી કાંડની તપાસમાં અસંતોષ વ્યકત કર્યો છે અને બંધને ટેકો આપી રાજકોટની જનતાએ તેમના લોકરોષને વાચા આપી છે.

TRP ગેમઝોનના મૃતકના ભાઇની પોલીસે કરી અટકાયત
ટીઆરપી ગેમઝોનમાં મૃત્યુ પામેલી એક બહેનના ભાઇએ આગ ઘટનાના વિરોધમાં દેખાવો કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી. તેમણે અટકાયતનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે મને શું પકડો છો આરોપીઓને ઝડપો. જો કે પોલીસે તેને તુરંત જવા દીધા હતાં.

TRP ગેમઝોન વિસ્તાર નજીક બજાર ખુલી રહી
આજે ટીઆરપી ગેમઝોન આગકાંડના બનાવને લઇને રાજકોટ બંધના એલાનને સમગ્ર શહેરના વેપાર ઉદ્યોગએ બંધ રાખી સજ્જડ પ્રતિસાદ આપ્યો છે. જયાં ઘટના બની હતી તે ટીઆરપી ગેમઝોનની આસપાસના નાનામવા રોડ વિસ્તારની દુકાનો ખુલી હતી. કરૂણત્તમ આગકાંડને નજર સમક્ષ નિહાળનારા વેપારીઓ બંધમાં ન જોડાઇને શું સંદેશો આપવા માંગતા હશે તે શહેરીજનોએ વિચારવાનું રહ્યું.


