- પાકિસ્તાનને ભારતે લગાવી ફટકાર
- ભ્રામક નિવેદનો આપવા પર ભારતે લીધુ આડેહાથ
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાન પ્રત્યે નારાજગી કરી વ્યક્ત
ભારત પોતાના પાડોશી દેશો સાથે પાડોશી ફર્સ્ટ પોલિસી હેઠળ સંબંધ નિભાવે છે પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન ભારતને કાંકરીચાળો કરવામાંથી ક્યારેય ઊંચુ આવતુ નથી. પાકિસ્તાન દ્વારા ભ્રામક અને નિરાધાર નિવેદનો કરવા બદલ ભારતે નારાજગી વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન તરફથી કાશ્મીનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે આવા નિવેદનોને લઇને પાકિસ્તાનની આલોચના કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને કાશ્મીરના મુદ્દાનો કર્યો ઉલ્લેખ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના મંત્રી પ્રતિક માથુરે મંગળવારે કહ્યું કે આજે એક પ્રતિનિધિમંડળે પાયાવિહોણી અને ખોટી વાર્તાઓ ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જો કે, આમાં આશ્ચર્યજનક કંઈ નથી. આવું પહેલા પણ થતું આવ્યું છે. તેમણે કહ્યું કે હું આ પ્રતિષ્ઠિત સંસ્થાનો અમૂલ્ય સમય બચાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપીને આ ટિપ્પણીઓને પ્રોત્સાહિત નહીં કરું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચર્ચામાં પ્રતિક માથુર ભારત વતી નિવેદન આપી રહ્યા હતા.
પાકિસ્તાન અવારનવાર કરે છે આવી હરકતો
મહત્વનું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ચર્ચા દરમિયાન મહાસભાના મંચ પરથી પોતાના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાન નિયમિતપણે યુએનના વિવિધ મંચો પર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે.
પાકિસ્તાનને કરી આકરી ટીકા
ભારતે અગાઉ પણ કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ઉઠાવવા બદલ પાકિસ્તાનના પ્રયાસોની આકરી ટીકા કરી છે. તેઓ કહે છે કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે.


