સિરપના ગેરઉપયોગને અટકાવવા કડક નિર્ણય
હવે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર શરદી અને ખાંસીની શિરિપ પણ નહી મળે
નશા માટે પણ બેફામ ઉપયોગ થતા અને ફરિયાદો વ્યાપક બનતા ડાયરેકટ મેડિકલમાંથી સિરપ આપવા પર પ્રતિબંધ મૂકાયો
અગ્ર ગુજરાત, અમદાવાદ
સામાન્ય શરદી કે ખાંસી થવા પર સીધા જ મેડિકલ સ્ટોરમાંથી સિરપ ખરીદતા લોકો માટે એક મહત્વના સમાચાર છે. રાજ્યમાં હવેથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ પ્રકારની શરદી-ખાંસીની સિરપ મળશે નહીં. સિરપના થઈ રહેલા ગેરઉપયોગને અટકાવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધી લોકો સામાન્ય બીમારીમાં ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાં જઈને સિરપ ખરીદી લેતા હતા. પરંતુ, કેટલાક તત્વો દ્વારા આવી સિરપનો નશા માટે અને અન્ય રીતે ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદો વ્યાપક બની હતી. આ બાબતને ગંભીરતાથી લઈને હવેથી ડાયરેક્ટ મેડિકલમાંથી સિરપ આપવા પર પ્રતિબંધ મુકાયો છે. કોઈપણ શરદી-ખાંસીની સિરપ લેવા માટે હવે માન્ય ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન (લખેલો કાગળ) હોવું ફરજિયાત છે.
પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ અને સિરપના વેચાણ અંગે આરોગ્ય મંત્રીએ અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા તેમણે નાગરિકોને કેટલીક ખાસ અપીલ કરી છે. કોઈ પણ દર્દીએ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી દવાઓ મંગાવવી જોઈએ નહીં. દર્દીઓએ હંમેશા રજિસ્ટર થયેલી અને માન્ય દવાની દુકાનો (ફાર્મસી) માંથી જ દવાઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. દર્દીઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન લે તે ખૂબ જ જરૂરી છે. પોતાની જાતે જ ડૉક્ટર બનીને પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ દવા ન લેવી જોઈએ.
આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ નાગરિકો અને દર્દીઓને નમ્ર વિનંતી કરી છે કે તેઓ ડૉક્ટરની યોગ્ય તપાસ અને સલાહ બાદ જ દવા કે સિરપનું સેવન કરે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી શારીરિક સમસ્યાનો સામનો ન કરવો પડે.
લોકોના સ્વાસ્થય માટે સરકાર સજ્જ : મંત્રી
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દવાઓના વેચાણ અને નિયમન બાબતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તબક્કાવાર પરિપત્રો બહાર પાડવામાં આવે છે. લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ગુજરાત સરકારે પણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપવા અને ન લેવા માટે કડક સૂચનાઓ આપી છે.


