વિરપુરમાં પ્રોહિબિશનના આરોપી સામે પાસાની કાર્યવાહી રતા જિલ્લા કલેકટર
પોલીસ દ્વારા અટકાયત કરી ભૂજ મધ્યસ્થ જેલમાં ધકેલાયો
અગ્ર ગુજરાત, વીરપુર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અવાર-નવાર મારામારી તથા ગેરકાયદેસર પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરવાની ટેવ ધરાવતા તત્વો વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસે સખત પગલાં લેવાની શરૂઆત કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર નાઓના માર્ગદર્શન અને સૂચનાઓ અનુસાર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુંડા તત્વો સામે શિક્ષાત્મક તથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સઘન અભિયાન અંતર્ગત, વિપુલભાઈ હાથીભાઈ લાલુ (ઉ.વ. ૩૦, રહે. રબારીકા ગામ, મેવાસા રોડ, તા. જેતપુર) નામના શખ્સ દ્વારા વિરપુર, જેતપુર સિટી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરવામાં આવેલી મારામારી અને દારૂની હેરફેરની અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને રાખી વિરપુર પોલીસ સ્ટેશન દ્વારા ‘પાસા’ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડિયા મારફતે એલ.સી.બી. શાખામાં મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો.
રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. ઓમ પ્રકાશ દ્વારા આ પ્રસ્તાવ મંજૂર કરી મજકુર શખ્સની ‘પાસા’ હેઠળ અટકાયત કરી ભુજ (પાલરા) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા માટેનો હુકમ કરાયો હતો. પોલીસ દ્વારા આ હુકમનું ચુસ્તપણે પાલન કરી અટકાયતમાં લેવાયેલા શખ્સને પોલીસ સ્ટાફની સુરક્ષા સાથે ભુજ જેલ ખાતે રવાના કરાયા છે.


