ડાયાબિટીસ સહિત ૨3 દવાના ભાવમાં ફેરફાર
દવાના દરો મર્યાદીત કરાયા : કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર નોટીફિકેશન જાહેર : લોકોનો તબીબી બોજ હળવો થશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
આજથી દેશના કરોડો દર્દીઓ અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો તબીબી બોજ હળવો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે એક મોટો જનહિતલક્ષી નિર્ણય લેતાં જીવનજરૂરી ૨૩ જેટલી દવાઓ અને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન માટે નવા મહત્તમ છૂટક ભાવ નક્કી કર્યા છે.
સરકારના આ મહત્વના આદેશ બાદ હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓ કે મેડિકલ સ્ટોર ધારકો સૂચિત કરવામાં આવેલા મહત્તમ છૂટક ભાવ કરતાં વધુ રકમ ગ્રાહકો પાસેથી વસૂલ કરી શકશે નહીં. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા આ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં ગંભીર અને લાંબા ગાળાની બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે વપરાતી દવાઓનો વિશેષ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગેઝેટ નોટિફિકેશનમાં હૃદયરોગ, ટાઇપ-૨ ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, વિવિધ પ્રકારના સંક્રમણો માટે વપરાતી એન્ટિબાયોટિક્સ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મહત્ત્વની દવાઓના દરો મર્યાદિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, રોજિંદા જીવનમાં અને સામાન્ય તાવ કે દુખાવામાં વ્યાપકપણે વપરાતી પેરાસીટામોલ, ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે ઉપયોગી એવા આયર્ન-ફોલિક એસિડ સીરપ સહિતની અન્ય કેટલીક સામાન્ય દવાઓના દર પણ મહત્તમ મર્યાદા હેઠળ લાવી દેવાયા છે.
સરકારના આ નિર્ણયથી દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટો સકારાત્મક બદલાવ આવશે અને સામાન્ય માનવી સુધી સસ્તા અને ગુણવત્તાસભર ઔષધો સરળતાથી પહોંચી શકશે.
ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન પર કડક નજર
આજના સમયમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને બે કે તેથી વધુ દવાઓ ભેગી કરીને આપવામાં આવતી ‘ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન’ દવાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ખાનગી ફાર્મા કંપનીઓ આવી કોમ્બિનેશન દવાઓ પર મનસ્વી ભાવ વસૂલતી હોવાની ફરિયાદો સતત મળી રહી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે ૨૨ થી ૨૩ જેટલી FDC દવાઓની સીલિંગ પ્રાઇઝ (મહત્તમ કિંમત) નક્કી કરી દીધી છે. સરકારના આ પગલાથી મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને દર મહિને થતા દવાના મોટા ખર્ચમાંથી મોટી રાહત મળશે.
કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ માટે સખત નિયમો
કેન્દ્ર સરકારના ગેઝેટ નોટિફિકેશન મુજબ, નવા દર આજથી જ દેશભરમાં અમલી બની ગયા છે. તમામ ફાર્માસ્યુટિકલ ઉત્પાદક કંપનીઓએ પોતાની દવાની નવી બેચ પર સુધારેલી કિંમતો છાપવી ફરજિયાત રહેશે. જો કોઈ ઉત્પાદક કંપની કે રીટેલ મેડિકલ સ્ટોર ધારક સરકાર દ્વારા નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ રકમ ગ્રાહક પાસેથી વસૂલતો ઝડપાશે, તો તેની સામે પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને વધારાની વસૂલેલી રકમ વ્યાજ સાથે દંડ સ્વરૂપે વસૂલવામાં આવશે.


