એસીબીએ સીલ ખોલી તિજોરી ખોલતા કુબેર ભંડાર નીકળ્યો : ૫ કરોડ રોકડાં, ૧૧ કરોડનું સોનુ મળ્યું
૭ બિલ્ડરોના સોદાના શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હોવાની ચર્ચા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના હત્યાકાંડ બાદ મહાનગરપાલિકામાં અત્યાર સુધીના સૌથી ભ્રષ્ટ અધિકારી તરીકે ખુલ્લા પડેલા સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર ઓફિસર એમ.ડી.સાગઠિયાની નાના મવા પાસે ટ્વીન ટાવરમાં આવેલી પર્સનલ ઓફિસનું સીલ આજે ઉઘડતી સવારે જ એન્ટિ કરપ્શન બ્યુરોએ ખોલ્યુ હતુ. ઓફિસ ખુલતાં જ સાગઠિયાના ભ્રષ્ટ પટારામાંથી વધુ ૫ કરોડ રોકડાં, અંદાજે રૂ.૧૧ કરોડની કિંમતનું ૧૫ કિલો સોનુ અને જમીન-મકાનના સોદાના શંકાસ્પદ દસ્તાવેજો નીકળ્યા હતા. હજુ તો સાગઠિયાની અન્ય મિલકતોના સીલ ખોલવાના બાકી છે, બેંક ખાતામાંથી પણ મસમોટો દલો નીકળે તો નવાઇ નહીં. આ ઉપરાંત તેમણે બનાવેલુ આલિશાન ફાર્મ હાઉસ, પેટ્રોલ પમ્પ, ફેકટરી અને અન્ય જમીન-મકાનમાં કરેલા રોકાણના હિસાબો ચકાસવામાં આવ્યા બાદ બેનામી સંપતીનો આંકડો ગગનચુંબી નીકળે તો નવાઇ નહીં રહે. સાગઠીયાની પર્સનલ ઓફિસમાંથી મળેલા દલ્લાની માહિતી એસીબીએ ગુપ્ત રાખવા પ્રયાસ કર્યા છે. વાત એવી વહેતી કરવામાં આવી છે કે માત્ર દોઢ કિલો જ સોનું મળ્યું છે. પરંતુ સચોટ સૂત્રોમાંથી વિગત એવી છે કે મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો હાથ લાગ્યો છે.
રાજકોટ મનપાનો પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાની બબ્બે ગુનામાં ધરપકડ થઇ છે. છેલ્લે ટીઆરપી ગેમ ઝોનના દસ્તાવેજોમાં ચેડાં કરવાના ગુનામાં ૬ દિવસની રિમાન્ડ પુરી થયા બાદ ફરી જેલ હવાલે કરાયો છે. બીજીબાજુ એસ.આઇ.ટી. અને એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસ પણ ચાલુ છે અને એ દરમિયાન એમ.ડી.સાગઠિયાના એક પછી એક કાળા ચીઠ્ઠા ખુલતા જાય છે.
સાગઠિયાની ધરપકડ થઇ ત્યારે જ તેમની જે પર્સનલ ઓફિસ, બેંક એકાઉન્ટ સહિતનું સીલ કરી દેવામા આવ્યુ હતુ. દરમિયાન આજે નાના મવા પાસે આવેલા ટ્વીન ટાવર બિલ્ડીંગમાં સાગઠિયાની પર્સનલ ઓફિસ આવેલી છે તેનુ સીલ ખોલવા માટે એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમ અચાનક જ ટ્વીન ટાવરમાં પહોંચી હતી. ઓફિસનું સીલ ખોલીને અંદર છાનબીન કરતા એક મોટી તિજોરી મળી આવી હતી. તિજોરીનું તાળુ ખોલવામા આવતા તેમાથી, ટેબલના ખાનામાંથી અને અન્ય આડી અવળી જગ્યાએ સંઘરી રાખેલી ભ્રષ્ટ સંપતિનો પટારો નીકળ્યો હતો. જાણવા મળ્યા મુજબ રૂ.૫ કરોડ રોકડા, અંદાજે રૂ.૧૧ કરોડનું ૧૫ કિલો સોનુ અને ૭ બિલ્ડરોની સોદાના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. એસીબીએ આ તમામ જપ્તીમાં લીધા છે.

સાગઠિયાના મોઢે રૂમાલ બાંધીને તેને પણ હાજર રખાયા
એસીબીની ટીમ ટ્વીન ટાવરમાં ત્રાટકી હતી ત્યારે એમ.ડી.સાગઠિયાને પણ હાજર રાખવામા આવ્યો હતો. મીડિયાનો જમાવડો થઇ ગયો હતો. મીડિયા સમક્ષ ખરડાયેલુ મોઢુ ન આવી જાય એ માટે સાગઠિયાએ મોઢે રૂમાલ બાંધી રાખ્યો હતો. મીડિયાકર્મીઓએ એસીબીના અધિકારીઓને કેટલાક સવાલ કર્યા હતા પરંતુ એકપણ વાત કર્યા વગર મિનિટોની ગણતરીમાં આ સર્ચ ઓપરેશન પાર પાડી સાગઠિયા સહિત એસીબીના અધિકારીઓ દોડીને લિફ્ટમાં પહોંચી બાદમાં નીકળી ગયા હતા.

‘અગ્ર ગુજરાત’ ફરી એક વખત અગ્રેસર
ગુજરાતના પત્રકારત્વમાં ૧ જુને સાગઠિયાની ટવીન ટાવરમાં કરોડોનો માલ હોવાનો અહેવાલ ‘અગ્ર ગુજરાત’ એ પ્રસિધ્ધ કર્યો હતો
એક કદમ આગળ કેચ લાઇન સાથે ગુજરાતી પત્રકારત્વમાં સચોટ અને સમયોચિત પત્રકારત્વ કરતાં ‘અગ્ર ગુજરાત’ દ્વારા ટીઆરપી કાંડના પગલે ગત ૧ જૂનના રોજ સાગઠીયાની મિલકતો અંગે અહેવાલ પ્રથમ પાને પ્રસિધ્ધ કર્યો હતો જેમાં શહેરના નાનામવા ચોક નજીક ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી ટવીન સ્ટાર કોમર્શિયલ ઇમારતમાં સાગઠીયાની ઓફિસ આવેલી છે તેમાં શેઇફ ડિપોઝીટ વોલ્ટમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારોના દસ્તાવેજો તથા રોકડ વગેરે હોવાની ‘અગ્ર ગુજરાત’એ માહિતી આપી હતી. આ માહિતી અક્ષરસ: સાચી પડી છે. એસીબીએ આજરોજ સાગઠીયાની ઓફિસના સીલ ખોલી તિજોરી ખોલતા તેમાંથી ૧૬ કરોડ રૂપિયાનો રોકડ તથા સોનાનો દલ્લો મળી આવ્યો છે તેમજ અનેક બેનામી વ્યવહારોના દસ્તાવેજો મળી આવ્યા છે.


