- પેજેશ્કિયાનનો જન્મ ઉત્તર-પશ્ચિમી ઈરાનના મહાબાદમાં થયો
- પેજેશ્કિયાનને 1.63 કરોડ વોટ મળ્યા
- સઈદ જલીલીને 28 લાખ વોટથી હરાવ્યા
ઈરાનને નવા રાષ્ટ્રપતિ મળ્યા છે. નવા રાષ્ટ્રપતિ તરીકે મસૂદ પેજેશ્કિયાનની પસંદગી કરવામાં આવી છે. તેઓએ કટ્ટરપંથી જલીલીને હરાવ્યા છે અને ઈરાનમાં ઈબ્રાહિમ રઈસીના મોત બાદ રાષ્ટ્પતિની ચૂંટણી થઈ અને તેમાં પેજેશ્કિયાનને 1.63 કરોડ વોટ મળ્યા જ્યારે તેમના હરીફ સઈદ જલીલીને 1.35 કરોડ વોટ મળ્યા છે. તો જાણો કોણ છે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન.
જલિલીને 28 લાખ મતોના માર્જિનથી હરાવ્યા
પેજેશકિયને જલીલીને 28 લાખ મતોના માર્જિનથી હરાવ્યા. પેજેશ્કિયાન ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને વ્યવસાયે હાર્ટ સર્જન પણ છે. તેમની ગણતરી દેશના એવા નેતાઓમાં થાય છે જેઓ લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં હાજર છે. હવે ચૂંટણી પરિણામો અનુસાર 3 કરોડ મતોમાંથી, ડૉ. મસૂદ પેજેશ્કિયાનને 53.3 ટકા મત મળ્યા છે, જ્યારે તેમના હરીફ જલીલીને 44.3 ટકા મત મળ્યા છે.
પેજેશ્કિયાનનો જન્મ 29 સપ્ટેમ્બર 1954ના રોજ ઉત્તર-પશ્ચિમ ઈરાનના મહાબાદમાં થયો
પેજેશ્કિયાન અઝેરી બોલે છે અને લાંબા સમયથી ઈરાનના વિશાળ લઘુમતી વંશીય જૂથોની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણા લોકોની જેમ તેમણે ઈરાન-ઈરાક યુદ્ધમાં સેવા આપી હતી. તબીબી ટીમોને યુદ્ધના મેદાનમાં મોકલી. મસૂદ પેજેશ્કિયાન લાંબા સમયથી સાંસદ છે. તેમના સમર્થકો તેમની જીતની ઉજવણી કરી રહ્યા છે. મસૂદ પેજેશ્કિયાને સત્તામાં મોટો ફેરફાર કર્યો છે. મતગણતરી દરમિયાન જ તેમના સમર્થકો જશ્ન મનાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન મસૂદ પેજેશ્કિયાને દેશની શિયા ધર્મશાહીમાં કોઈ ફેરફાર નહીં કરવાનું વચન આપ્યું હતું. મસૂદ પેજેશ્કિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈને દેશના તમામ મામલામાં અંતિમ મધ્યસ્થી માને છે.
મહસા અમીનીના મૃત્યુ અંગે સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટતા માંગી હતી
2022માં, પેજેશ્કિયાને મહસા અમીનીના મૃત્યુ અંગે સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. યોગ્ય રીતે હિજાબ ન પહેરવાને કારણે મહસા અમીનીની હત્યા કરવામાં આવી હતી. મહસાના મૃત્યુ બાદ દેશભરમાં દેખાવો થયા હતા. પેજેશ્કિયાને કહ્યું કે અમે હિજાબ કાયદાનું સન્માન કરીશું, પરંતુ મહિલાઓ પ્રત્યે ક્યારેય કોઈ દખલગીરી કે અમાનવીય વર્તન ન થવું જોઈએ.
વ્યવસાયે હાર્ટ સર્જન છે નવા રાષ્ટ્રપતિ
તેઓ હાર્ટ સર્જન છે અને પેજેશ્કિયાન મેડિકલ સાયન્સની તાબ્રિઝ યુનિવર્સિટીના વડા તરીકે સેવા આપી હતી. 1994માં તેમની પત્ની ફતેમેહ મજીદી અને એક પુત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી ડોક્ટરે બીજા લગ્ન ન કર્યા અને બાકીના બે પુત્રો અને એક પુત્રીને એકલા હાથે ઉછેર્યા.
ઉલ્લેખની છે કે ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રથમ તબક્કો 28 જૂને યોજાયો હતો. આમાં કોઈ ઉમેદવાર બહુમતીનો આંકડો પાર કરી શક્યો ન હતો, ત્યારબાદ 5 જુલાઈએ બીજી વખત ચૂંટણી યોજાઈ હતી. ઈરાનના બંધારણ મુજબ, જો પ્રથમ રાઉન્ડમાં કોઈને બહુમતી ન મળે તો ટોચના બે ઉમેદવારો વચ્ચે ફરીથી ચૂંટણી યોજવામાં આવે છે. પ્રથમ તબક્કામાં પેજેશ્કિયાનને 42.5 ટકા અને જલીલીને 38.8 ટકા વોટ મળ્યા હતા.


