સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં શનિવારે યોજાશે વિશાળ કિડની અવરનેસ સેમિનાર
વિજયભાઇ રૂપાણી મેમોરીયલ અને IMA દ્વારા આયોજન : નિષ્ણાંત તબીબો આપશે માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
વિજય રૂપાણી મેમોરીયલ અને IMA દ્વારા સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં “સેવા વર્ષ – 2026” અંતર્ગત રાજકોટમાં વિશાળ કિડની અવેરનેસ સેમિનારનું આયોજન પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે તા.13 જુન 2026 શનિવારે, સમય સાંજે 5 થી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં કિડની રોગનાં મુખ્ય કારણો, સ્વસ્થ રાખવાના ઉપાયો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની કિડની પર અસરો, કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગે માર્ગદર્શન, ઓર્ગન ડોનેશનનું મહત્વ અને નાગરિકોના પ્રશ્નોના જવાબ મુખ્ય વકતાઓ ડો. પ્રાંજલભાઈ મોદી અને ડો.સંજયભાઈ પંડ્યા તેઓ સ્થાનિક નાગરિકોને કિડની આરોગ્ય, જીવનશૈલી અને Preventive Healthcare અંગે માર્ગદર્શન આપશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના અવસાનને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમની પાવન સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્થાપિત વિજય રૂપાણી મેમોરીયલ દ્વારા સમગ્ર વર્ષને “સેવા વર્ષ – 2026” તરીકે ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સેમિનારમાં કિડની આરોગ્ય સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં કિડની રોગોના મુખ્ય કારણો, કિડનીને સ્વસ્થ રાખવાના ઉપાયો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો કિડની પર પ્રભાવ, યોગ્ય ખોરાક અને જીવનશૈલી,પૂરતું પાણી પીવાનું મહત્વ, સમયસર નિદાન અને તપાસ, ડાયાલિસિસ અંગે માહિતી, કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગે માર્ગદર્શન,ઓર્ગન ડોનેશનનું મહત્વ, નાગરિકોના પ્રશ્નોના જવાબ અપાશે.
કાર્યક્રમનું ઉદઘાટન પૂ. પા. ગૌસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા કરાશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જીતુભાઈ વાઘાણી મુખ્ય મહેમાનમાં સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, અતિથી વિશેષમાં રાજયસભાનાં પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મેયર ડો. નેહલભાઈ શુક્લ, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા ઉપરાંત વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ડોક્ટર્સ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, વિવિધ એસોસિએશનોના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહેશે.


