- વિસાવદરના મોટી મોણપરીમાં દલિત સમાજનું સંમેલન યોજાયું
- 15મી ઓગસ્ટે ગાંધીનગરમાં દેખાવોની ચિમકી : 11 જુલાઈએ ગીર ગઢડામાં દલિત સંમેલન
- માંગ નહીં સંતોષાય તો 13 ઓગસ્ટે જૂનાગઢથી રેલીનું ગાંધીનગર જવા પ્રસ્થાન
જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી, નિવસ્ત્ર્ર કરીને મોબાઇલમાં વિડીયો ઉતારી મારી નાખવાની કોશિષ કરવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચકચારી બન્યો છે, ત્યારે આ ઘટનામાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ છેલ્લા 40 દિવસથી પ્રયાસો કરી રહ્યો છે,
છતાં આજદિન સુધી તેમને સંતોષકારક ન્યાય નથી મળતા આજે વિસાવદરના મોટી મોણપરી ગામમાં યોજાયેલ દલિત સમાજના સંમેલનમાં સરકારને 40 દિવસનું અલ્ટિમેટમ આપીને તેમની માંગણી પૂરી કરવા અન્યથા રેલી યોજીને ગાંધીનગર કુચ કરવાની ચિમકી આપવામાં આવી છે.
જૂનાગઢ અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ આ તકે કહ્યું હતું કે, તેમની લડાઈ તેમના દીકરા પુરતી નથી, પરંતુ દલિત સમાજ દરેક દીકરા માટેની છે. સંજય સોલંકીના કેસમાં ગણેશ ટોળકી સામે ગુજસીટોક દાખલ કરવામાં આવે, કેસમાં 120 બી ની કલમ દાખલ કરીને જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવે, ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લેવામાં આવે, તેમજ આ કેસમાં સરકાર સ્પેશિયલ પીપીની નિમણુક કરીને કેસને ફસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ છે. જો તેમની માંગણી નહી સંતોષાય તો તા.10 ના રોજ તેમનો સોલંકી પરિવારના 150 સભ્યો જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીશું.
આ સંમેલન પૂર્વે ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર આજે બપોરે જૂનાગઢ આવી પહોંચ્યા હતા, અહી તેઓએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાળવા ચોક ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા, બાદમાં બપોરે 3 કલાકે જૂનાગઢ મધુરમ ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ત્યાંથી રેલીનું મોટી મોણપરી જવા પ્રસ્થાન થયું હતું. રેલી મેંદરડા થઈને વિસાવદરથી મોટી મોણપરી પહોંચી હતી, ત્યાં સાંજે 7.30 કલાકે સભા સ્થળે રેલી પહોંચી હતી.
મોટી મોણપરી મુકામે સમાજના દરેક આગેવાનો, કાર્યકરો, ભીમસેનાનાના યુવાનો, ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, અને બાદમાં દરેક આગેવાનોએ એકપછી એક સમાજને સંબોધન કરીને દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અંગેની વાત કરી હતી. આ તકે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના મહામંત્રી દેવદાનભાઈ મૂછડીયાએ જણાવ્યું હતું કે, સંજય સોલંકીના કેસમાં દલિત સમાજની જે માંગણીઓ છે, તેને સરકાર 40 દિવસમાં નિવેડો નહી લાવે અને તે અંગે હકારાત્મક નિર્ણય લઈને તેઓને લેખિતમાં ખાતરી નહી આપે તો આગામી તા.13 ઓગસ્ટથી રેલીનું પ્રસ્થાન થશે.
તા.13 ઓગસ્ટને સવારે જૂનાગઢથી વિશાળ દલિત સમાજની રેલી નીકળશે, જે બપોરે રાજકોટ પહોંચશે, લીંબડીમાં રાતવાસો કરીને બીજા દિવસે ધોળકા અને ત્યાંથી અમદાવાદ રાતવાસો કરીને તા.15 ઓગસ્ટના રોજ સવારે ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આ પૂર્વે તા.11 જુલાઈએ ગીર ગઢડામાં પણ દલિત સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ખીજડીયાનો પીડિત પરિવાર પગપાળા ગાંધીનગર જશે
મેંદરડાના ખીજડિયા ગામે ત્રણ વર્ષ પહેલાં જયસુખ મૂછડિયાની હત્યા મામલે હજુ સુધી આરોપી ન પકડાતા મૃતકના માતા-પિતા આગામી તા.7 ઓગસ્ટથી પગપાળા ગાંધીનગર જશે, 9 દિવસ ચાલીને CM કાર્યાલય પહોંચશે, ત્યાં 15 ઓગસ્ટથી 3 દિવસ ઉપવાસ આંદોલન કરશે, છતાં ન્યાય નહીં મળે તો પછી આ પીડિત પરિવાર આત્મવિલોપન કરશે તેવી પણ જાહેરાત આજના સંમેલનમાં કરવામાં આવી છે.


