- નેપાળમાં ખરાબ હવામાન અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો
- ત્રિશૂલી નદીમાં સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા
- સતત વરસાદને લીધે લોકોની મુશ્કેલીમાં વધારો
પાડોશી દેશ નેપાળમાં ખરાબ હવામાનને લીધે ભૂસ્ખલન થયાનું સામે આવ્યું છે. આટલું ઓછું હોય તેમ આજે સવારે મધ્ય નેપાળના મદન આશ્રિત હાઈવે પર ભારે ભૂસ્ખલન સર્જાયું છે. જેના લીધે 63 પ્રવાસીઓને લઈ જતી બે બસ ત્રિશૂલી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતા રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી રૅસ્ક્યૂ કામગીરી હાથ ધરી રહી છે. બચાવ કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત હાથ ધરી હતી.
વહીવટી તંત્રની પ્રારંભિક જાણકારી અનુસાર બંને બસના ડ્રાયવર સહિત કુલ 63 લોકો સવાર હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે થયાનું કહેવામાં આવી રહ્યું છે. સાક્ષીઓ અને સ્થાનિકો અનુસાર ભારે અંધકાર હોવાથી સવારે સાડા ત્રણ વાગ્યે ભૂસ્ખલનનો શિકાર બંને બસ બની અને ત્રિશૂલી નદીના પાણીના ભારે વહેણમાં તણાઈ ગઈ હતી. જો કે બંને બસ નદીમાં ખાબકતા કેટલા લોકો ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા તેની ચોક્કસ જાણકારી હજી નથી મળી.
તંત્રને મળેલી જાણકારી પ્રમાણે બચાવ કામગીરી પૂરજોશમાં છે. સતત વરસાદને લીધે શોધ અભિયાનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ઘણા દિવસોથી ભારે વરસાદ અને ભૂસ્ખલનને લીધે ઘણાં લોકોનાં મોત થઈ ચુક્યા છે. ઘણા સ્થળે ભૂસ્ખલનને લીધે હાઈવે પર મોટી તિરાડો સર્જાઈ છે જેથી માર્ગ પરિવહન બંધ છે. તેમજ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત સતત વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો જેથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે.


