- નેપાળમાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલે વડાપ્રધાન પદથી રાજીનામું આપ્યું
- 19 મહિના સત્તામાં રહ્યા પછી પ્રચંડ વિશ્વાસ મત જીતી ન શક્યા
- નેપાળમાં બીજી પાર્ટીઓએ ટેકો પરત લેતા વડાપ્રધાન પ્રચંડને વિશ્વાસ મત લેવા જવું પડયું
પાડોશી દેશ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલની સરકાર પડી ગઈ છે. ગૃહમાં વિશ્વાસ મત હાર્યા પછી પ્રચંડે પીએમ પદથી રાજીનામું આપી દીધું છે. 19 મહિનામાં સત્તામાં રહ્યા પછી તેમને પીએમ પદ છોડવું પડયું છે. મહત્ત્વનું છે કે સીપીએન-યુએમએલની તરફથી પ્રચંડ સરકારનો ટેકો પાછો ખેંચી લીધા બાદ તેમને ગૃહમાં વિશ્વાસ મત મેળવવા જવું પડયું હતું. પરંતુ શુક્રવારે વિશ્વાસ મત પરીક્ષણ બાદ પુષ્પ કમલ દહલ હારી ગયા હતા.
ગયા અઠવાડિયે CPN-UMLએ સમર્થન પાછું ખેંચ્યું હતું
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ વિશ્વાસ મત જીતી શક્યા નથી. ગયા અઠવાડિયે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML) એ તેમની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. દેશના 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં, 69 વર્ષીય પ્રચંડને 63 મત મળ્યા, જ્યારે વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં 194 મત પડ્યા. વિશ્વાસ મત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી.
પ્રચંડ સરકાર 19 મહિના સુધી ચાલી
નેપાળમાં 25 ડિસેમ્બર 2022ના રોજ પ્રચંડ સરકાર સત્તામાં આવી હતી. પદ સંભાળ્યા બાદ સીએમ પ્રચંડ ચાર વખત વિશ્વાસ મત મેળવવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે તેઓ નિષ્ફળ રહ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલએ ગયા અઠવાડિયે ગૃહની સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા-વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પ્રચંડની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું.
નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે. પ્રતિનિધિ સભામાં નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે. આ રીતે, બંનેની સંયુક્ત સંખ્યા 167 છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી 138 કરતાં ઘણી વધારે છે.


