વેલનાથ મંદિરે યોજાયેલા એક વર્ષ પૂર્વેના માંડવાનો હિસાબ માંગતા પિતરાઇ ભાઇએ ઢીમ ઢાળી દીધું
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે એક વર્ષ પૂર્વે વેલનાથ મંદિરે યોજાયેલા માંડવાના હિસાબ બાબતે બે કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલી માથાકૂટમાં ઝઘડો ઉગ્ર બનતા કૌટુંબીક ભાઈએ ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જેતપુર તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપી હત્યાર ભાઈને ઝડપી લીધો છે.
જાણવા મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે રહેતા કોળી પરિવાર દ્વારા એક વર્ષ પૂર્વે વેલનાથ મંદિરે માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ માંડવામાં કેટલો ખર્ચ થયો અને કેટલી આવક થઈ તેનો હિસાબ કમિટી દ્વારા કરવામાં આવ્યો ન હતો. આ હિસાબ રણજીતભાઈ મગનભાઈ મકવાણા એ રાખ્યો હોવાથી તેમના કુટુંબી ભાઈ અશોક વજુભાઈ મકવાણા એ માંડવાનો હિસાબ માંગ્યો હતો અને કહ્યું હતું કે એક વર્ષ થવા છતાં પણ તે માંડવાનો હિસાબ રજૂ કર્યો નથી. જેથી રાત્રીના બંને ભાઈઓ વચ્ચે હિસાબ બાબતે માથાકૂટ થઈ હતી.
બાદમાં રાત્રિના સમયે રણજીતભાઈ ઘરેથી નીકળીને ગામમાં ગયેલ ત્યારે ફરી વખત મેલડી માતાના મંદિર તરફ જવાના રસ્તે રણજીતભાઈ સાથે માથાકૂટ થઈ હતી. તેમાં ઉશ્કેરાયેલા કૌટુંબિક ભાઈ રણજીતે અશોકભાઈ ને છરીના ઘા ઝીંકી દેતા તે ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા. જે ઘટનાનું ધ્યાન ગામના વિજય કીડીયાને પડતા જેથી તેણે રણજીતના ભાઈ મિલનભાઈ ને આ વાત કરી હતી. તેથી મિલનભાઈ ઘટના સ્થળે જતા અશોકભાઈ લોહી લુહાણ હાલતમાં જોવા મળતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડેલ, પરંતુ સારવાર મળે તે પૂર્વે તેમનું મોત નિપજતાં બનાવ હત્યમાં પલટાયો હતો. આથી જેતપુર તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તુરંત હત્યારા રણજીતની ધરપકડ કરી હતી.


