- ઇમરજન્સી કર્મચારી પણ માર્યા ગયા : હમાસ, ઇઝરાયેલી દળોએ સેફ ઝોન જાહેર કર્યો હતો તે ઝોન પર બોમ્બમારો
- જે લોકો માર્યા ગયા છે તેમાં ઇમરજન્સી સર્વિસના સભ્યોનો પણ સમાવેશ થાય છે
- હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં કુલ 38,345 લોકો માર્યા ગયા છે
ગાઝામાં ખાન યુનૂસ ખાતેની ટેન્ટ શરણાર્થી છાવણી પર ઇઝરાયેલે બોમ્બમારો કરતાં 71 લોકો માર્યા ગયા હતા તો 289 લોકો ઘાયલ થયા હતા. હમાસ દ્વારા સંચાલિત ગાઝા સરકારે આ હુમલો તે નરસંહાર હોવાનું કહીને દાવો કર્યો હતો કે જે લોકો માર્યા ગયા છે તેમાં ઇમરજન્સી સર્વિસના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે હમાસે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો તે પછી હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં કુલ 38,345 લોકો માર્યા ગયા છે અને 88,295 લોકો ઘાયલ થયા છે. ગાઝા નાગરિક સંરક્ષણ ટીમે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ જેને સેફ ઝોન જાહેર કર્યો હતો તે વિસ્તારની શરણાર્થી છાવણી પર હુમલો કર્યો હતો. ઘાયલોને અલ-અમાલ ખાતેની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ દરમિયાન સીરિયામાં ઇઝરાયેલ દ્વારા થયેલા હુમલા પછી રશિયાએ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રશિયન પ્રવક્તાએ ચેતવણી આપી હતી કે આવા બિનજવાબદાર હુમલા મધ્ય પૂર્વમાં તંગદિલી વધારશે.


