ધરમનગરમાં મહિનાથી દુષિત પાણીનું વિતરણ : મહિલાઓ રણચંડી બની
મત માંગવા નેતાઓ દેખાયા હતા હવે રજુઆત કરવા છતાં પણ કોઇ ધ્યાન આપતું નથી, વેચાતું પાણી લેવા મજબૂરી : મહિલાઓએ હૈયાવરાળ ઠાલવી
ગંદા અને બેકટેરીયાવાળા પાણીથી બાળકો અને વૃધ્ધો બીમાર પડી રહ્યા હોવાની રાવ : યોગ્ય નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી દુષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો અનેક વિસ્તારોમાં ઉઠી રહી છે. રાજકોટના ધરમનગર વિસ્તારમાં દુષિત પાણી વિતરણ થવાથી લોકોના આરોગ્ય પર અસર પડી છે. વૃધ્ધો અને બાળકો સતત બિમાર પડી રહ્યા હોવાથી લોકોને હોસ્પિટલોના ધોળા કરવા પડી રહ્યાં છે. અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહી આવતા આજે મહિલાઓ રણચંડી બની હતી અને તંત્ર સામે બાયો ચડાવી હતી.
આ અંગે વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ જણાવ્યું હતું કે ધરમનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દુષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગંદા અને બેકટેરીયાવાળા પાણીના વપરાશથી વિસ્તારના લોકોના સ્વાસ્થયને ભારે અસર પડી રહી છે. ગંદા પાણીના ઉપયોગથી લોકોને ચામડીના રોગનું જોખમ પણ વધ્યું હોવાની હૈયાવરાળ મહિલાઓએ ઠાલવી હતી. વધુમાં જણાવ્યું હતું કે નેતાઓ ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને ભાજપને મત આપજો તેવું કહેતા હોય છે. પરંતુ સુવિધા આપવામાં તદન વામળા સાબિત થયા છે. ચૂંટણી સમયે દેખાતા નેતાઓ હાલ પ્રજાની સમસ્યા ઉકેલવા સમયે અદ્રશ્ય જોવા મળી રહ્યાં છે.
મહિલાઓએ કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી વિતરણ થતાં ગંદા પાણી અંગે મેયર સહિતના સત્તાધીશોને પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે. છતાં પણ સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે. સતત વાસ મારતાં પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ ઉચ્ચારી છે.


