ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો
રખડતાં ઢોરો પકડવા કાર્યવાહી અધ્ધરતાલ : પાલિકા સામે લોકોમાં રોષ
રસ્તે રખડતા આખલાઓથી પ્રજાજનો ત્રાહિમામ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીમાં આખલાઓ યમદૂત બની અને રસ્તે રખડી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં વેપારીઓ રાહદારીઓ અને સ્થાનિકો પણ આખલાઓથી પરેશાન થઈ ઉઠ્યા છે. ધોરાજી શહેરમાં છાસવારે સર્જાતા આખલા યુદ્ધ થી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. રસ્તે રખડતા અને છાશવારે યુદ્ધ કરી રહેલા આખલાઓથી ઘણી વાર રાહદારીઓને અને વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ પણ થઈ છે ધોરાજી શહેરના જાણીતા એડવોકેટ બાબુલાલ જાગાણી નો આક્ષેપ છે કે રસ્તે રખડતા આખલા માથાના દુખાવા સમાન બન્યા છે.
નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે ધોરાજીના કોઈપણ રસ્તેથી પસાર થવું હોય તો જીવના જોખમે પસાર થવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ મામલે ધોરાજી સીટીઝન કાઉન્સિલિંગ સંસ્થાના પ્રમુખ નો પણ આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ છે જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો પણ પરેશાન થઈ રહ્યા છે અને લોકોને રસ્તે રખડતા આખલાઓએ ગંભીર ઇજાઓ પણ પહોંચાડી છે પરંતુ નગરપાલિકાનું નિર્ભર તંત્ર કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી અને લોકો રખડતા પશુઓના કારણે ઈજાગ્રસ્ત થાય છે
ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી બીજી કેટલીક વિગતો પણ જાણવા મળી હતી કે વર્ષ ૨૦૧૯ માં રખડતાં ઢોરો ની સમસ્યા હલ કરવા અને ઢોરોને પાંજરે પુરવા પાલિકામાં ઠરાવ પસાર થયો હતો. જોકે 7 વર્ષ થયાં હોવા છતાં ઢોર પકડવાની કામગીરી એક ટકા થવા પામી નથી. હાઇકોર્ટનાં આદેશ પ્રમાણે ઉપલેટા, જેતપુર સહીત આસપાસની નગરપાલિકાઓ ઢોર પકડવાની કામગીરી કરી રહી છે ત્યારે હાઇકોર્ટનાં આદેશ સામે પણ ધોરાજી નગર પાલિકા ઘરની ધોરાજી ચલાવી રહી હોય તેમ જણાય રહ્યું છે. ધોરાજી નગરપાલિકાના સત્તાધીશો હજુ રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરીનું માત્ર આયોજન જ કરી રહ્યા છે. ત્યારે હવે આ ઢોરની સમસ્યા માંથી ક્યારે મુક્તિ મળે એ જોવાનું રહ્યું.


