- બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમમાં સુધારાની માંગ તીવ્ર બની
- દેશના મુખ્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન કરતા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ
- ઢાકા યુનિવર્સિટીમાં અનામતને લઈ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત્
પાડોશી દેશ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રથામાં ફેરફાર કરવાની માંગ ઉગ્ર બનતી જઈ રહી છે. જો કે આને લઈ આખા દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આખું બાંગ્લાદેશ અનામતની આગમાં ભડકે બળી રહ્યું છે. ગત રોજ પોલીસ અને વિરોધ કરતા લોકો વચ્ચે હિંસક ઝપાઝપી થતા સાત લોકોનાં મોત થયા હતા. આ વિરોધને જોતા સ્કૂલ-કૉલેજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
તમામ યુનિવર્સિટીઓમાં વર્ગો સ્થગિત: UGC
સ્થાનિક મીડિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વહીવટીતંત્રના આ નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છે અને તેઓ વાઇસ ચાન્સેલરના આવાસની બહાર એકઠા થયા છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ તમામ યુનિવર્સિટીઓને આગળની સૂચના સુધી વર્ગો સ્થગિત કરવા અને હોસ્ટેલ ખાલી કરવા જણાવ્યું છે. આ મુદ્દે આજે બુધવારે ઢાકા યુનિવર્સિટીની સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થા સિન્ડિકેટની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.
ગઈકાલના વિરોધમાં 6 લોકોનાં મોત થયા હતા
દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન અનેક અથડામણો થયા બાદ UGC તરફથી આ સૂચના આપવામાં આવી છે. આ અથડામણો સોમવારે શરૂ થઈ જ્યારે સત્તાધારી અવામી લીગના વિદ્યાર્થી મોરચાના કાર્યકરો વિરોધીઓની સામે આવ્યા અને તેમના પ્રદર્શનનો વિરોધ કરવાનું શરૂ કર્યું. વિરોધીઓનું કહેવું છે કે વર્તમાન આરક્ષણ પ્રણાલી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સરકારી સેવાઓમાં પ્રવેશમાં ઘણી હદ સુધી અવરોધ લાવી રહી છે. દેખાવકારોએ દેશના 4 મહત્વપૂર્ણ શહેરો (મધ્ય ઢાકા, દક્ષિણ પશ્ચિમ ખુલના, ઉત્તર પશ્ચિમ રાજશાહી અને ચટ્ટોગ્રામ) માં હાઇવે અને રેલ્વેને અવરોધિત કર્યા.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમમાં સુધારાની માંગને લઈ દેશના મુખ્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન કરતા લોકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણમાં મંગળવારે 3 વિદ્યાર્થીઓ સહિત છ લોકોનાં મોત થયા હતા. પ્રદર્શનને હિંસક જોતા સ્કૂલ અને કૉલેજના બંધ કરવામાં આવી હતી.
શા માટે વિદ્યાર્થીઓ થયા ઉગ્ર
હાઈકોર્ટે પાંચમી જૂને સરકારી નોકરીઓમાં અનામત સમાપ્ત કરવાનો વર્ષ-2018નો સરકારી પરિપત્ર ગેરકાયદે જાહેર કર્યો ત્યારે વિદ્યાર્થીઓ માર્ગો પર ઉતરી આવ્યા હતા. જો કે 10 જુલાઈએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ સ્થિતિમાં રાખવાનો આદેશ કર્યો હતો.
વર્તમાન અનામત સિસ્ટમ હેઠળ દેશમાં સરકારી નોકરીઓ માટે વર્ષ-1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના નાયકોના સંતાનો અને પછી તેના પૌત્ર-પૌત્રીઓ માટે 30 ટકા વહીવટી તંત્ર જિલ્લા માટે 10 ટકા, મહિલાઓ માટે 10 ટકા અને 10 ટકા લઘુમતી અને પાંચ ટકા દિવ્યાંગો માટે એક ટકા બેઠક અનામત છે.


