- એક દિવસની હિંસામાં 300થી વધુના મોત
- હિંસા બાદ શેખ હસીનાએ આપ્યું રાજીનામું
- શેખ હસીનાએ ઢાકાનું ઘર છોડ્યું: સૂત્રો
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું છે, સર્વત્ર અરાજકતા જોવા મળી રહી છે. થોડા સમય પછી આર્મી ચીફ સંબોધન કરશે.
બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે.
અનામત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
બાંગ્લાદેશમાં અનામત સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હવે મોટા આંદોલનમાં ફેરવાઈ ગયા છે. આ દરમિયાન સમાચાર છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા પેલેસ છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ ગયા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે લાખો લોકો કર્ફ્યુ તોડીને રસ્તા પર ઉતરી આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક એજન્સીના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે.
બાંગ્લાદેશ અનામતની આગમાં સળગ્યું
બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં સળગી રહ્યું છે, અનેક જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને આગ લગાવી દીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસકર્મીઓના મોત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બપોરના સમયે એક સાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે પોલીસકર્મીઓ કંઈ કરી શક્યા ન હતા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ આખા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી, જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા. આ દરમિયાન સેના રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહી છે.
સેના પ્રમુખ જનરલ વોકર લોકોને સંબોધિત કરશે
બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સેનાના સત્તાવાર પ્રવક્તા ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ઓફિસર રશીદુલ આલમે કહ્યું કે જનરલ વોકર લોકોને સંબોધિત કરશે.


