- જાપાનમાં ત્રાટક્યુ ભયંકર વાવાઝોડું
- 252 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયો પવન
- જાપાનમાં 10 લાખ લોકો થયા પ્રભાવિત
આ વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન ‘શાનશાન’ જાપાનમાં ત્રાટક્યું છે. શાનશાન ગુરુવારે સવારે 8 વાગ્યે દક્ષિણ-પશ્ચિમ દ્વીપ ક્યુશુ પર પહોંચ્યુ હતું. NYT અનુસાર વાવાઝોડાને કારણે 252 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
લાખો લોકો પ્રભાવિત
વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. જાપાનના હવામાન વિજ્ઞાન એજન્સીએ કહ્યું કે શાનશાન કે જેને જાપાનમાં ટાઇફૂન નંબર 10ના નામથી ઓળખવામાં આવે છે. શાનશાનને કારણે 2,50,000 થી વધુ ઘરોની વીજળી ગૂલ થઇ ગઇ છે તેમ જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું.
એક જ પરિવારના 3 લોકોના મોત
જાપાનના ક્યોડો ન્યૂઝ અનુસાર ગુરુવારે ગામગોરીમાં ભૂસ્ખલનથી એક ઘર દબાઈ ગયું હતું. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. આ સિવાય 2 લોકો ઘાયલ પણ થયા છે. આ વાવાઝોડાથી દેશભરમાં 10 લાખ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.
2 દિવસમાં 6 મહિનાનો વરસાદ !!
હવામાન એજન્સીએ છેલ્લા 48 કલાકમાં કાગોશિમા પ્રીફેક્ચરમાં 1,100 મીમી વરસાદનો અંદાજ મૂક્યો છે, જે આખા વર્ષના સરેરાશ વરસાદ કરતાં લગભગ અડધો છે. ભારે વરસાદને કારણે સત્સુમસેન્ડાઈ શહેર નજીક ભૂસ્ખલન થયું હતું.
જાપાન સરકારે કાગોશિમાના કેટલાક વિસ્તારોમાં લેવલ 5 ની કટોકટીની ચેતવણી જાહેર કરી છે. દેશમાં આપત્તિ સમયે આપવામાં આવેલી આ સૌથી મોટી ચેતવણી છે. જેમાં લોકોને તેમના ઘરોમાં રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે. ટ્રેનો રદ કરવામાં આવી છે. બસો અને અન્ય વાહનો ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ પહેલા જાપાનમાં લેવલ 5ની ચેતવણી માત્ર ત્રણ વખત જ જાહેર કરવામાં આવી હતી. જુલાઈ 2014 માં ઓકિનાવા પ્રીફેક્ચરમાં શક્તિશાળી ટાયફૂન ત્રાટક્યું ત્યારે આવી ચેતવણી પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ હતું. આ પછી ઓક્ટોબર 2016માં પણ ઓકિનાવામાં આવી જ ચેતવણી આપવામાં આવી હતી. આ પછી સપ્ટેમ્બર 2022માં ક્યુશુ આઇલેન્ડમાં આ ચેતવણી આપવામાં આવી હતી.


