સુકાની રાફિન્હાએ નોંધાવેલા બે ગોલની મદદથી બાર્સેલોનાએ લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં માલોર્કાને એકતરફી અંદાજમાં 5-1ના સ્કોરથી કચડી નાખ્યું હતું. બાર્સેલોનાએ લગભગ એક મહિના બાદ પ્રથમ મુકાબલો જીત્યો છે. ઘૂંટણની ઇજામાંથી મુક્ત થયેલા લામિન યમાલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.
બીજી તરફ તમામ લીગમાં સતત 20 મેચ રમનાર રોબર્ટ લેવાન્ડોવસ્કીને આરામ અપાયો હતો. મેચમાં ફેરેન ટોરેસે 12મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. રાફિન્હાએ 56મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી અને ત્યારબાદ તેણે 74મી મિનિટે પોતાનો બીજો ગોલ નોંધાવ્યો હતો. ફ્રેન્કી ડી જાંગેએ 79મી તથા પાયુ વિક્ટરે 84મી મિનિટે ગોલ કર્યા હતા. માલોર્કા માટે વેદાત મુરિકીએ 43મી મિનિટે ટીમ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. બાર્સેલોના હવે 37 પોઇન્ટ સાથે લીગમાં ટોચના ક્રમે છે અને તેણે રિયલ મેડ્રિડ સામે પોતાની ચાર પોઇન્ટની લીડ જાળવી રાખી છે. રિયલ મેડ્રિડને હજુ બે મેચ બાકી છે. ત્રીજા ક્રમે રહેલી એટ્લેટિકો મેડ્રિડ 32 પોઇન્ટ ધરાવે છે.


