ક્રિકેટના મેદાનમાં ક્યારેક તમારો ગુસ્સો તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. સિરાજે એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પોતાના એક એક્શનથી પોતાનું અને સમગ્ર ટીમનું ટેન્શન વધારી દીધું છે. સિરાજને મેચ પૂરી થયા બાદ તેના વર્તન માટે ICC તરફથી કડક સજા પણ મળી શકે છે. આવો તમને જણાવીએ કે ટેસ્ટના પહેલા દિવસે સિરાજે કઈ ભૂલ કરી હતી.
પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો સિરાજ
ડે-નાઈટ ટેસ્ટ મેચના પહેલા દિવસે મોહમ્મદ સિરાજ પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શક્યો. સિરાજ બોલિંગ કરી રહ્યો હતો અને આગામી બોલ ફેંકવા માટે તૈયાર હતો. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરે પોતાનો રનઅપ લગભગ પૂર્ણ કરી લીધો હતો. જો કે ત્યારબાદ માર્નસ લાબુશેન અચાનક ક્રિઝ પરથી હટી ગયો હતો. લાબુશેને ફ્રન્ટ વિઝ સ્ક્રીન પર એક ચાહકને જતો જોયો હતો, જેના કારણે તે ક્રિઝ પરથી ખસી ગયો હતો. લાબુશેને પણ ઈશારા દ્વારા સિરાજને આ વાત સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ સિરાજને કાંગારુ બેટરની આ સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવી. સિરાજે ગુસ્સામાં આવીને બોલ સ્ટમ્પ પર માર્યો હતો. આ સાથે તે લેબુશેનને કંઈક કહેતો પણ જોવા મળ્યો હતો.
શું છે ICCનો નિયમ?
ICCના નિયમો અનુસાર, સિરાજને ઈરાદાપૂર્વક કોઈ પણ વસ્તુ કોઈ ખેલાડી તરફ ફેંકવા અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવા બદલ સખત સજા થઈ શકે છે. મેચ રેફરીએ સિરાજના આ પગલાની નોંધ લીધી હશે અને હવે તેની સામે શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું. જો કે, લાબુશેનને ઈજા થઈ ન હતી અને ન તો તે સિરાજ દ્વારા સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા બોલથી વાગ્યો હતો. પરંતુ સિરાજે આ કૃત્ય જાણી જોઈને કર્યું હતું, જે તેની વિરુદ્ધ જઈ શકે છે.


