દશામાના વ્રતના નામે ૨૦૦ કરોડનો વેપાર અને છેતરપિંડી: ભારત જન વિજ્ઞાન જાથાનો દાવો
અંધશ્રદ્ધા, ઢોંગી ભૂઈમાઓ અને પરપ્રાંતિય ભિખારીઓથી સાવધાન રહેવા જાથાની અપીલ: નદી-તળાવોમાં મૂર્તિ વિસર્જન ન કરવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશભરમાં ઓગસ્ટ ૧૩ થી ૨૨ દરમિયાન ઉજવાતા દશામાના વ્રતમાં શ્રદ્ધાના નામે થતા વેપારીકરણ અને અંધશ્રદ્ધા સામે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જાથાના પ્રાથમિક અંદાજ મુજબ, આ વ્રત દરમિયાન પૂજા સામગ્રી, મૂર્તિઓ, શ્રૃંગાર અને પ્રચાર માધ્યમો દ્વારા જમીની સ્તરે અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. જેમાં શ્રદ્ધાળુઓની આસ્થાનો ગેરલાભ ઉઠાવીને ચાલક વેપારીઓ અને લેભાગુઓ રૂપિયા ખંખેરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ વર્ષમાં આ વ્રતમાં ચમત્કારો અને કૌતુક ઉભા કરીને કમાણી કરવાનો વેપાર વધ્યો છે. જુના શાસ્ત્રોની કથાઓ અને સ્તુતિઓને નવા આધુનિક સંગીતમાં ઢાળીને અને કાલ્પનિક ચિત્રો બનાવીને શ્રદ્ધાળુઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ ઉપરાંત, વ્રત દરમિયાન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા પરપ્રાંતોમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ ગુજરાતમાં આવે છે. સ્વયંભૂ પ્રાગટ્ય, કંકુના પગલાં કે શાકભાજીમાં માતાજીના દર્શન જેવા કૌતુકો સંપૂર્ણપણે મનઘડંત અને બનાવટી હોય છે. જાથાએ અત્યાર સુધીમાં ૯૧૨ છેતરપિંડી કરતી ભૂઈમાઓનો પર્દાફાશ કર્યો છે અને ૨૮૪૫ ઢોંગીઓના ધૂણવાના નાટક બંધ કરાવ્યા છે.
જાથા દ્વારા પર્યાવરણ અને આરોગ્યની જાળવણી અર્થે પીવાના પાણીના સ્ત્રોતો, નદીઓ કે ચેકડેમમાં મૂર્તિઓ તેમજ વાહન સાંઢણીનું વિસર્જન ન કરવા અપીલ કરવામાં આવી છે. જળ પ્રદૂષણ રોકવા માટે મૂર્તિઓને એકાંત જગ્યાએ રાખીને ખાતર તરીકે ઉપયોગ કરવાનો વિકલ્પ વિચારવા જણાવાયું છે. લોકો માનસિક પછાત ન બને અને પુરુષાર્થ પર ભરોસો રાખી ઘરમાં જ માતા-પિતાની સેવા કરે તેવો સંદેશ આપતાં જાથાએ ઉમેર્યું હતું કે, વ્રત દરમિયાન ખોટી રીતે ધૂણીને છેતરપિંડી કરતી ઢોંગી ભૂઈમાઓની માહિતી આપવા માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ અથવા ૯૪૨૬૯ ૮૦૯૫૫ પર સંપર્ક કરી શકાશે.


